નાના મોટા વેપારીઓને ત્યાંથી મફતમાં ખાઇ જતાં અને વસ્તુઓ લઇ જતાં શખ્સો સામે પોલીસના આંખ મીચામણાં : કડક પગલા ન લેવાતા શેરી લુખ્ખાઓનો ત્રાસ
રાજકોટમાં શેરી ગુંડાઓનો ત્રાસ વધી ગયો છે. લારીવાળા અને નાના વેપારીઓને ત્યાં કોઇપણ લુખ્ખાઓ ગમે ત્યારે ધસી જાય છે અને વેપારીઓ પાસેથી ચીજ વસ્તુઓ લઇ જાય છે તેમજ ખાઇ-પી બીલ ન ચુકવવાની લુખ્ખાગીરી રોજીંદી બની ગઇ છે. નાના વેપારીઓ મોટા ભાગે આવા ગુંડાઓના ત્રાસનો ભોગ બને છે. પોલીસ આવી બાબતમાં શેરી ગુંડાઓને ચોકમાં લઇ જઇ જયાં સુધી લીમડો ન ચખાડે ત્યાં સુધી આવા શખ્સો સુધરવાના નથી અને શહેરની કાયદો વ્યવસ્થા આવા કિસ્સાઓમાંથી બગડવાની શકયતા રહેશે. બજરંગવાડી સર્કલ પાસે ગોલાના વેપારીએ પૈસા માગતા એક શખ્સ ગાળો દઈ, ધમકી આપી તોડફોડ કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામનાં મોચીનગર-૬માં રહેતા અને બજરંગવાડી સર્કલ પાસે સાહેબ નામે ગોલાની દુકાન ચલાવતો શાહીદ અશરફભાઈ ડોસાણી (ઉ.વ.૨૬) ગઈકાલે રાત્રે પોતાની દુકાને હતો ત્યારે ત્યાં આવેલા બીટુ ગઢવી (રહે. રેલનગર)એ ગોલાનો ઓર્ડર આપ્યો હતો. આથી બીટુ પાસે પૈસા માંગતા તેણે આપવાની ના પાડી શાહીદને ગાળો દઈ દુકાનમાં રહેલી ચાસણીની બે કાચની બરણી તોડી નાખી ‘તું હવે કેમ ધંધો કરે છે’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


