૧૮.૫૯ લાખની ચોરી : ગાંધીગ્રામ, ક્રાઇમબ્રાંચ અને એલસીબીના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સરિતા વિહાર સોસાયટીમાં રહેતા કારખાનેદારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા ગાંધીગ્રામ-૨, ક્રાઇમ બ્રાંચ અને એલસીબીને સ્ટાફે તપાસમાં ઝંપલાવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ યુનિ. રોડ પરની સરિતા વિહાર સોસાયટીમાં બ્લોક નં.૮૪માં રહેતા અને માલધારી ફાટક પાસે શિવાય એલોય નામનું કારખાનું ધરાવતા જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા (ઉ.વ.૨૯)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૧૭.૫૯ લાખની મત્તા ચોરી કરી ગયાની ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.
ફરિયાદમાં જયરાજસિંહે જણાવ્યું છે કે ગઇકાલે સવારે નવેક વાગ્યે પત્ની અને પુત્રને ઢેબર રોડ ખાતે પિયરમાં મુકવા ગયા હતા. ગઇકાલે રાત્રે ૧૨:૧૫ વાગ્યે મકાનને લોક કરી મિત્રો સાથે સાળંગપુર ખાતે દર્શન કરવા ગયા હતા. જયાંથી સવારે ૯:3૦ વાગ્યે ઘરે પરત ફરીને જોયું તો મુખ્ય દરવાજાનો અને સેન્ટ્રલ લોક તૂટેલી હાલતમાં હતો.
ઘરમાં તપાસ કરતાં બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. તેમાં આવેલા લાકડાના કબાટના દરવાજાનો લોક તૂટેલો હતો.
કબાટનો સામાન વેરવિખેર પડયો હતો. કબાટમાં તપાસ કરતા રોકડા રૂ.૧૫ લાખ ઉપરાંત સોનાનું મંગળસૂત્ર, સોનાનો ચેન, સોનાની લક્કી, ચાંદીના સાંકળા વગેરે દાગીના ગાયબ હતા.
આ રીતે તસ્કરો કુલ રૂ.૧૭.૫૯ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં ગાંધીગ્રામ-૨ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધી તપાસ આગળ ધપાવી છે. માતબર રકમની ચોરી હોવાથી તપાસમાં ક્રાઇમ બ્રાંચ ઉપરાંત એલસીબી ઝોન-૨ના સ્ટાફે પણ ઝંપલાવ્યું છે.


