અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) ના એક નવા અહેવાલમાં અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 17 એપ્રિલના રોજ AILA દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કુલ 327 કેસ નોંધાયા છે જેમાં વિઝા રદ કરવામાં આવ્યા હતા અથવા વિદ્યાર્થીઓના SEVIS રેકોર્ડ બંધ કરી દીધા છે. આ આંકડા વિદ્યાર્થીઓ, વકીલો અને યુનિવર્સિટી સ્ટાફ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. આ 327 કેસમાંથી લગભગ અડધા ભારતીય નાગરિકો છે, જ્યારે 14% વિદ્યાર્થીઓ ચીની છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયા, નેપાળ અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા છે.
નાની નાની વાતોમાં વિઝા રદ્
રિપોર્ટ દર્શાવે છે કે વિઝા રદ થવાથી OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) પર રહેલા વિદ્યાર્થીઓને સૌથી વધુ નુકસાન થયું છે. SEVIS રેકોર્ડ બંધ હોવાથી તેઓ કામ ચાલુ રાખી શકતા નથી. જે વિદ્યાર્થીઓ હજુ અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે પરિસ્થિતિ થોડી સરળ છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે તેમના માટે પરિસ્થિતિ પુનઃસ્થાપિત કરવી મુશ્કેલ બની જાય છે. આ કેસોમાં જે કારણો બહાર આવ્યા છે તે આશ્ચર્યજનક છે. નાના પોલીસ એન્કાઉન્ટર બાદ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા. જેમ કે પાર્કીંગ ફાઈન અને ઝડપથી ગાડી ચલાવવા પર દંડ.
અમેરિકામાં સૌથી વધુ ભારતીય વિદેશી છાત્ર
હાલમાં અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારત ટોચ પર છે. 2023-24 શૈક્ષણિક વર્ષમાં 3.32 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. આમાંથી, આશરે 97,556 વિદ્યાર્થીઓ (29%) OPT પ્રોગ્રામ હેઠળ છે, જે તેમને યુએસમાં કામચલાઉ ધોરણે કામ કરવાની મંજૂરી આપે છે. વિઝા રદ્દ થવાને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કરિયર પર ઉંડી અસર પડી છે


