- નવી ડિપ્રેશન સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ
- ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી હોઈ આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદની આશા
- મંગળવારે અરવલ્લી અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખુબ ઓછો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં મોસમનો 100 ટકા કરતાં વધુ વરસાદ થઈ ગયો છે.
તેની સામે ઉત્તર ગુજરાતમાં માત્ર 23.86 ટકા જ વરસાદ થયો છે અને મોટાભાગના તાલુકા કોરાધાકોર રહ્યા છે. વરસાદના પ્રથમ અને બીજા રાઉન્ડમાં આ વિસ્તારોમાં સાર્વત્રિક અને ભારે વરસાદ ન થતાં વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને કારણે આજથી રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે. આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સારા વરસાદની આશા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી ચાર દિવસ સુધી છૂટા છવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફરેવાઈ ગુજરાત તરફ આગળ વધી રહી હોય આજથી વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે તેવુ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને પણ અસરકર્તા હોય આગામી દિવસોમાં આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા પણ આજથી વરસાદ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં સોમવારે અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે અને મંગળવારે ઓરેન્જ એલર્ટ રહેશે. મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા,મહેાસાણા તેમજ પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ત્યાર બાદના બુધવાર અને ગુરુવારે પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતાઓ રહેશે.
આ વર્ષે વરસાદના પ્રથમ અને બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. કેટલાક સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં તો મોસમનો 100 ટકા વરસાદ અત્યાર સુધીમાં થઈ ગયો છે. દરિયા કિનારાઓના વિસ્તારો સુધી અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નામ પુરતો જ વરસાદ થયો છે. જેના કારણે અષાઢ મહિનો થવા છતાં ઉત્તર ગુજરાતમાં મોસમનો સરેરાશ માત્ર 23.86 ટકા જ વરસાદ થયો છે. જો કે આજથી શરૂ થઈ રહેલા ત્રીજા રાઉન્ડમાં સારા વરસાદની આશા રહેલી છે. રાજસ્થાન બોર્ડર વિસ્તારના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે.


