- ઓસ્ટ્રેલિયા વિઝા નિયમોને બનાવશે કડક
- આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક કરશે
- ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા અડધી કરવાનો ઉદ્દેશ્ય
ઓસ્ટ્રેલિયા તેના વિઝા અને માઈગ્રેશન નિયમોને કડક બનાવી રહ્યું છે જેના કારણે ભારતમાં ચિંતા વધી છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક કરી રહ્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા અડધી કરવાનો છે.
અહેવાલ મુજબ, નવી નીતિઓ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અંગ્રેજી પરીક્ષામાં ઉચ્ચ રેટિંગ મેળવવાની જરૂર પડશે. આ સાથે ઓસ્ટ્રેલિયામાં લાંબા સમય સુધી રહેવા માંગતા વિદ્યાર્થીઓ જ્યારે બીજી વખત વિઝા માટે અરજી કરશે ત્યારે તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લે ઓ’નીલે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘અમારી વ્યૂહરચના વધતી જતી સ્થળાંતર સંખ્યાને સામાન્ય બનાવશે. પરંતુ આ માત્ર સ્થળાંતર સંખ્યા વિશે નથી આ ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય વિશે છે.
સ્થળાંતરને લઈને એક સિસ્ટમ બનાવી
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના સ્થળાંતર નંબરોને ‘ટકાઉ સ્તરો’ પર પાછા લાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે સ્થળાંતરને લઈને એક સિસ્ટમ બનાવવામાં આવી હતી જે તૂટી ગઈ છે. તે જ સમયે, ઓનીલે કહ્યું હતું કે સરકારે વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે પહેલાથી જ કેટલાક સુધારા કર્યા છે જે અસરકારક છે અને સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં ઘટાડો તરફ દોરી જશે.
ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરનારાઓનો ધસારો
2022-23માં નેટ ઈમિગ્રેશન રેકોર્ડ 510,000 પર પહોંચ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ તેના વિઝા નિયમોને કડક બનાવવાનો નિર્ણય કર્યો છે. ઓ’નીલે કહ્યું હતું કે 2022-23માં માઈગ્રેશનમાં આ વધારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કારણે થયો છે.
મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જાય છે
દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જાય છે. ગ્લોબલ ડેટા અને બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર, જુલાઈ 2023 સુધીમાં 118,869 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. ઓસ્ટ્રેલિયન ગૃહ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, જૂન 2021ના અંતમાં ભારતીય મૂળના 710,380 લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. 30 જૂન 2011ના રોજ આ સંખ્યા અડધા (337,120) કરતા પણ ઓછી હતી. બ્રિટન પછી ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ છે.


