- અર્જુનસિંહ હવે ભાજપમાં જોડાશે
- TMCમાં ટિકિટ ન મળતા બદલાયા સૂર
- TMCએ બેરકપુર લોકસભા બેઠક પર ટિકિટ આપવાનો કર્યો હતો વાયદો
લોકસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને મોટો આંચકો આપતા, બેરકપુર મતવિસ્તારના સાંસદ, અર્જુન સિંહે ગુરુવારે જાહેરાત કરી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જો કે તેઓએ સમય અને તારીખનો ઉલ્લેખ કર્યો નથી.
હું ભાજપમાં જોડાઇશ- અર્જુનસિંહ
તેમણે જણાવ્યું કે આ નક્કી છે કે હું ભાજપમાં જોડાઈશ. પાર્ટી મને જે કામ આપશે તે હું કરીશ. TMC છોડવા માટે કોઈ કારણ આપવા અંગેના પ્રશ્નના જવાબમાં અર્જુન સિંહે કહ્યું કે તેમની સાથે અન્યાય થયો છે. ઉલ્લેખનીય છે કે, TMCએ અર્જુન સિંહને હટાવીને પાર્થ ભૌમિકને બેરકપોર બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.
અર્જુન સિંહ 2019માં જોડાયા ભાજપમાં
અર્જુન સિંહ 2019 માં ભાજપમાં જોડાયા હતા અને બેરકપોર સીટ પર તત્કાલિન ટીએમસી ઉમેદવારને હરાવ્યા હતા. પરંતુ 2022 માં, તેઓ ફરીથી TMCમાં પાછા ફર્યા. ગત લોકસભા ચૂંટણી પહેલા તેમણે તૃણમૂલ કોંગ્રેસ છોડી દીધી હતી. ત્યારપછી તેઓ વર્ષ 2022માં ટીએમસીમાં પાછા ફર્યા પરંતુ સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું ન હતું. તેમણે કહ્યું કે, જ્યારે હું 2022માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયો ત્યારે મને વચન આપવામાં આવ્યું હતું કે મને બેરકપુર લોકસભા સીટ પરથી TMC ઉમેદવાર તરીકે ફરીથી નામાંકિત કરવામાં આવશે. પરંતુ પાર્ટીએ તેનું વચન પાળ્યું નહીં અને મારી સાથે છેતરપિંડી કરી. તેથી મેં ભાજપમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટીએમસીએ રવિવારે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં રાજ્ય મંત્રી પાર્થ ભૌમિકને બેરકપુર લોકસભા બેઠક પરથી નામાંકિત કરવામાં આવ્યા હતા.


