- હનુમાનજીને પ્રિય છે ચણાના લોટની વાનગીઓ
- ઉપવાસ બાદ ફાફડાથી વ્રત ખોલવાની માન્યતા
- જલેબીનું ટિરામાઈન શરીરને ફાયદો આપે છે
મંગળવારે એટલે કે 24 ઓક્ટોબરના રોજ દેશભરમાં દશેરાનો ઉત્સવ ઉજવાશે. આ દિવસે લોકો તેમના વાહનોની પૂજા કરે છે અને સાથે જ ફાફડા અને જલેબી ખાવાની મજા લે છે. દશેરા એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ.ભગવાન રામે લંકેશનો વધ કર્યો અને ત્યારબાદ વિજ્યાદશમી પર્વની ઉજવણીની શરૂઆત થઈ. આ તહેવારને ગુજરાતીઓની ફેવરિટ અને ટ્રેડિશનલ વાનગીઓ ફાફડા અને જલેબીની સાથે જોડીને જોવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસે ફાફડા અને જલેબી ખાવા પાછળ કઈ લોકવાયકા અને વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે. આપણે ફૂડની મજા લઈએ છીએ પણ તેની પાછળના મહત્ત્વને ભાગ્યે જ જાણીએ છીએ. તો જાણો શું છે આ વાનગીઓ ખાવાનું મહત્ત્વ.
દશેરામાં ફાફડા-જલેબી ખાવાનો અનેરો ઉત્સાહ
નવરાત્રિના છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓગરબે ઘૂમતા હોય છે. આ પછી તેમને ભૂખ પણ લાગે છે. જેના કારણે રસ્તા પર રાતથી જ તમને ફાફડા અને જલેબીની મજાનો ધમધમાટ જોવા મળે છે. આ સિવાય પણ દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું ખાસ મહત્ત્વ રહે છે. જેના કારણે વહેલી સવારથી જ ગુજરાતીઓ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે. આ કારણે તેના ભાવ પણ આસમાને પહોંચે છે. તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે.
આ લોકવાયકા છે જોડાયેલી
દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવાતી. જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે ચાલી આવે છે.
આ પણ છે માન્યતા
જલેબી સાથે ફાફડા ખાવાનો અન્ય લાભ એ છે કે હનુમાનજીને ચણાના લોટની વાનગી ખૂબ જ ભાવતી. જલેબી સાથે જ્યારે ફરસાણ ખાવાનુ શરૂ થયું ત્યારે હનુમાનજીના પ્રિય ચણાના લોટના ફાફડાનું અવતરણ થયુ. આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે નવરાત્રિના ઉપવાસ બાદ ચણાના લોટની વાનગીથી જ પારણા થવા જોઈએ. આ કારણે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ.
આવું છે વૈજ્ઞાનિક કારણ
માનવામાં આવે છે કે સપ્ટેમ્બર-ઓકટોબરમાં બે ઋતુ ભેગી થાય છે જેના કારણે હવામાનમાં ફેરફાર આવતો રહે છે. બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે અને માઈગ્રેનની સમસ્યા વધે છે.ગરમાગરમ જલેબીમાં ટિરામાઈન હોય છે જે શરીરમાં સેરોટોનિનને કાબૂમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી તેથી દશેરામાં જલેબી ખાવામાં આવે છે. આ સિવાય એમ પણ માનવામાં આવે છે કે નવરાત્રિમાં ઉપવાસ કરવામાં આવતા હોવાથી શરીરમાં શુગરનું લેવલ ઘટી જાય છે. જલેબી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. ફાફડા અને જલેબી સાથે ખાવાથી બ્લડ શુગર નિયંત્રિત રહે છે. એક દિવસ ફાફડા-જલેબી સાથે ખાવાથી માનસિક ખુશી મળી રહે છે.