જુદા જુદા એડ્રેસ મુજબ પોસ્ટને પહોંચાડવાના કામમાં થાક લાગે છે પરંતુ લોકો કામગીરીને બિરદાવે ત્યારે ખુશી પણ થાય છે: રેણુકાબેન પરમાર
અનેક એવી જાહેર હિતની સેવાઓ છે જેમાં ટાઢ તડકો વરસાદની પરવાહ કર્યા વગર કામગીરી કરવામાં આવે છે આવી જ એક કામગીરી છે પોસ્ટમેનની એક સમયે આ ક્ષેત્રમાં પુરુષોનું આધિપત્ય હતું.હવે આ કામગીરી મહિલાઓ પણ બખૂબી સંભાળી રહી છે.
રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં છેલ્લા પાંચ વર્ષ થી ફરજ બજાવતા મૂળ અમદાવાદના રેણુકાબેન પરમાર 2011 થી જોડાયા છે તેઓએ પોતાની કામગીરી બાબત જણાવ્યું કે, “સવારે સાડા સાત વાગ્યે ઓફિસે પહોંચીને ઓર્ડિનરી પોસ્ટનું એરિયા મુજબ વિતરણ કરવાનું હોય છે. સ્પીડ પોસ્ટ,રજીસ્ટર,પાર્સલ, મની ઓર્ડર વગેરે અલગ રાખવામાં આવે છે. 10:30 વાગ્યે પોતાના નક્કી કરેલ એરીયા જેને બીટ કહેવાય છે તેના માટે નીકળવાનું હોય છે. ઋતુ કોઈ પણ હોય, સંજોગો કોઈ પણ હોય અમારે અમારી ફરજ બજાવવાની હોય છે. ચાર વાગ્યા સુધીમાં બધું કામ પતાવી ફરી ઓફિસે આવી કમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાની હોય છે.વજન ઉપાડી અલગ અલગ એડ્રેસ મુજબ પોસ્ટને પહોંચાડવાના કામમાં ઘણીવાર થાક લાગે છે પરંતુ લોકો જ્યારે કામગીરીને બિરદાવે છે ત્યારે એ થાક પળભરમાં ગાયબ થઈ જાય છે.
શરૂઆતમાં કામ અંગે મૂંઝવણ થતી કે એડ્રેસ કઈ રીતે ખ્યાલ આવશે? કામગીરી કઈ રીતે થશે? 5,000 થી 6000 જેટલા એડ્રેસ કઈ રીતે મેનેજ થશે? પરંતુ હાલ 2000 જેટલા એડ્રેસ મોઢે યાદ છે અને અનેક લોકો સાથે ખૂબ સારા સંબંધ બંધાઈ ગયા છે”.રેણુકાબેન નવી પેઢીને ખાસ ટકોર કરે છે કે નોકરી ન મળવાની ફરિયાદ કરવા કરતા આ પ્રકારની જોબ સ્વીકારી અને ધીમે ધીમે તેમાં સફળ થઈ શકાય છે.સરકારી નોકરીના પગાર ધોરણ અને ભથ્થા દરેકનો લાભ મળે છે.અત્યારે હેડ પોસ્ટ ઓફિસમાં ક્રિષ્નાબેન ચાવડા,કુસુમ માકડિયા,ખુશી ગોહિલ મહિલા પોસ્ટ માસ્તરની કામગીરી કરી રહ્યા છે.
પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા આટલું કરો
દસમા ધોરણ પાસ કરીને ઇન્ડિયા પોસ્ટની સાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે.દસમા અને બારમા ધોરણના મેરીટ પર સિલેક્શન થાય છે સૌપ્રથમ બ્રાન્ચ ઓફિસ એટલે કે B.O.માં જવાબદારી સોંપાય છે.આ બધી બ્રાન્ચ ઓફિસનું હેન્ડલિંગ સબ ઓફિસ એટલેકે S.O દ્વારા કરવામાં આવે છે અને સબ ઓફિસનું હેન્ડલિંગ હેડ ઓફિસ એટલેકે H.O દ્વારા કરવામાં આવે છે.
સૌથી પહેલા GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક અથવા ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે જોડાઈ શકાય છે.BPM બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે કામગીરી મળી શકે છે. અમુક વર્ષ બાદ ટ્રાન્સફર માટે એપ્લિકેશન કરવામાં આવે તો એ પણ મળી જાય છે. 3 વર્ષ પૂરા થયા બાદ MTS એટલે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની એક્ઝામ આપી શકો.તેમાં રીઝલ્ટ આવે તે મુજબ કામગીરી મળે છે. PA એટલે પોસ્ટલ આસિસ્ટન્ટ અને SA એટલે શોર્ટિંગ આસિસ્ટન્ટ તરીકે પણ જોડાઈ શકો.આમ એક પગથિયું જો ચડવામાં આવે તો શિખર સુધી પહોંચી શકાય છે.