આ વખતે IPL 2025 માં કંઈક અલગ અને રસપ્રદ જોવા મળ્યું છે. આ વખતે મેદાન પર ફક્ત ખેલાડીઓ જ નહીં, પણ એક સુંદર રોબોટિક કૂતરો પણ બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ કોઈ સામાન્ય કૂતરો નથી, પણ ટેકનોલોજી અને કેમેરા ધરાવતો એક ખાસ કૂતરો છે જે દોડી શકે છે, કૂદી શકે છે અને પોતાના પગથી હાર્ટ અને ઈમોજી બનાવી શકે છે.
શું છે આ રોબોટિક કેમેરા ડોગ
આનો એક વીડિયો IPL એકાઉન્ટ (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રખ્યાત કોમેન્ટેટર ડેની મોરિસને આ નવા કેમેરા ડોગનો પરિચય કરાવ્યો હતો. તેઓએ તેની સાથે મજા કરી, તેની સાથે દોડ લગાવી અને એ પણ બતાવ્યું કે આ ડોગ તેના પગથી ‘હાર્ટ ઇમોજી’ બનાવી શકે છે.
આ રોબોટ પર ભૂરા રંગનું ફર જેવું કોટિંગ છે અને તેનો ચહેરો કેમેરા જેવો છે. તેમાં એક કેમેરા છે જે GoPro જેવા એક્શન કેમેરા જેવો કામ કરે છે. તેનું કામ મેદાનના ખૂણામાંથી ‘પેટ વિઝન’ આપવાનું છે, એટલે કે, એવા ખૂણાથી મેચ બતાવવાનું છે જે દર્શકોએ અત્યાર સુધી ભાગ્યે જ જોઈ હશે.
આ ડોગે કરી ખેલાડીઓ સાથે મુલાકાત
દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા ખેલાડીઓ વચ્ચે આ ડોગ જોવા મળ્યું હતો. આ જોઈને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખુશ દેખાતો હતો, જ્યારે દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ થોડો મૂંઝાયેલો દેખાતો હતો. આ ડોગ અચાનક તેના પાછળના પગ પર ઊભો રહી ગયો ત્યારે MI બોલર રીસ ટોપલી ચોંકી ગયો!
આ અદ્ભુત રોબોટ LSG અને CSK વચ્ચેની મેચમાં પણ મેદાન પર જોવા મળ્યો હતો. જ્યારે કેમેરો મહેન્દ્ર સિંહ ધોની તરફ ગયો, ત્યારે તેણે મજાકમાં તેને ઉપાડીને નીચે મૂકી દીધો. આ દ્રશ્ય જોઈને ચાહકો પણ હસવાનું રોકી શક્યા નહીં.
ચાહકોને નામ સૂચન કરવા અપીલ
IPL એ ચાહકોને આ નવા રોબોટ ડોગ માટે સારું નામ સૂચવવા અપીલ કરી છે. આનાથી ચાહકોનો રસ વધુ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો તેના માટે રમુજી અને સુંદર નામો સૂચવી રહ્યા છે.


