- રાજકોટ મનપાનો એક્શન અવતાર
- ગંદકી ફેલાવનારા લોકોની સામે કડક પગલાં
- દુકાનો, એકમો સીલ કરવા સુધીની કાર્યવાહી
રાજકોટ મનપા તંત્ર દ્વારા એક મહત્વની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જેમાં સીટી વિસ્તારમાં અથવા જાહેરમાં ગંદકી ફેલાવનાર ઉપરા તંત્રની ટીમો દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. આ પગલાઓમાં એકમો અને દુકાનોને સીલ કરવા જેવી કાર્યવાહી પણ સામેલ છે.
આજે રાજકોટ મનપા તંત્રની ટીમો એક્શન અવતારમાં જોવા મળી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા શખ્સો, દુકાનદારો અને વિવિધ એકમોના માલિકોની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે ઢેબર રોડ પર આવેલી ક્રિષ્ના પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનને આજે સીલ કરવામાં આવી હતી. હકીકતે દુકાનની આજુબાજુમાં જાહેર રસ્તા પર ગંદકી ફેલાયેલી જોવા મળી હતી, જેથી દુકાનદારની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે હાલના દિવસોમાં રાજકોટ મનપાની ટીમો દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા તત્વોની વિરુદ્ધમાં કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા અમુક દિવસથી આ ઝુંબેશ સતત ચાલી રહી છે. સ્વચ્છ રાજકોટના સૂત્રને સાકાર કરવા માટે રાજકોટ મનપા તંત્ર પૂરી દેખરેખ સાથે કામમાં જોડાયું છે. આ મામલે શહેરમાં અનેક જગ્યાઓ પર ગંદકી ફેલાવનારા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઢેબર રોડ પર આવેલા ક્રિષ્ના પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનને સીલ કરવામાં આવી હતી. આ મામલે એક જાણકારી એવી પણ સામે આવી હતી કે ક્રિષ્ના સ્ટોલને અનેક વખત ગંદકીના પગલે સૂચનાઓ આપવામાં આવી હતી, જો કે તેમ છતાં તેમનું ગંદકી ફેલાવવાનું ચાલુ રહેતા આખરે તેમની દુકાનને સીલ કરી દેવામાં આવી હતી.
મહત્વનું છે કે સૌરાષ્ટ્રનું મહાનગર ગણાતા રાજકોટની પોતાની એક અલગ છાપ છે. આ છાપ સ્વચ્છતા અને સફાઈને આધારિત પણ છે. જેથી મનપા તંત્રની ટીમો દ્વારા રાજકોટ શહેરની આ છાપને વધુ મજબૂત કરી શકાય તેવા લક્ષ્યની સાથે કામ કરવામાં આવી રહ્યું છે અને આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ શરૂ રહે તેવી સંપૂર્ણ સંભાવનાઓ જણાઈ રહી છે.


