- પાકિસ્તાનના લાહોરમાં ઝેરી ધુમાડાથી પરેશાન લોકો
- ઝેરી ધુમાડાના કારણે હજારો લોકો બીમારી પડ્યા
- પંજાબ સરકારે 4 દિવસની રજા જાહેર કરી દીધી છે
પાકિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની કહેવાતા લાહોરમાં ઝેરી ધુમાડાના કારણે હજારો લોકો બીમાર પડ્યા છે. બગડતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પંજાબ સરકારે ચાર દિવસ માટે શાળાઓ, બજારો અને ઉદ્યાનોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ગુરુવારે (9 નવેમ્બર) સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે પંજાબ સરકારે 9 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી જાહેર રજા જાહેર કરી છે.
આ પહેલા પંજાબના કેરટેકર મુખ્યમંત્રી મોહસિન નકવીએ કહ્યું હતું કે લાહોર, ગુજરાંવાલા અને હાફિઝાબાદમાં ચાર દિવસની રજા રહેશે, જેથી પ્રદૂષણની અસરને ઓછી કરી શકાય. નકવીએ કહ્યું કે આ ત્રણ વિભાગોમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય કટોકટી લાદવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી કચેરીઓ, સિનેમાઘરો, ઉદ્યાનો અને જીમ બંધ રહેશે.
લોકોને માસ્ક પહેરવાની અને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે
એક અહેવાલ મુજબ, લાહોરમાં ડોક્ટરોએ લોકોને ફેસ માસ્ક પહેરવાની અને ઘરમાં રહેવાની સલાહ આપી છે. લાહોરમાં બીમાર દર્દીઓને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તમને જણાવી દઈએ કે, લાહોર સતત બીજી વખત વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં પ્રથમ સ્થાને છે.
અહેવાલ મુજબ, લાહોરની મુખ્ય મેયો હોસ્પિટલના ડૉક્ટર સલમાન કાઝમીએ કહ્યું, “માસ્ક પહેરવું અને ઘરે રહેવું એ શ્વાસ સંબંધી રોગો, આંખના ચેપ અને ચામડીના રોગો માટે હોસ્પિટલોમાં જવાનું ટાળવાના બે સૌથી સરળ રસ્તા છે.
એર ક્વોલિટી ઇન્ડેક્સ 450 પર પહોંચ્યો છે
ગુરુવારે (9 નવેમ્બર) લાહોરમાં હવા ગુણવત્તા સૂચકાંક 450 ની નજીક પહોંચી ગયો હતો, જે જોખમી માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે શિયાળામાં ઘઉંની વાવણીની મોસમની શરૂઆતમાં પાકના અવશેષોને બાળી નાખવું એ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. તમને જણાવી દઈએ કે લાહોર એક સમયે બગીચાઓના શહેર તરીકે જાણીતું હતું, પરંતુ ઝડપથી શહેરીકરણ અને વધતી વસ્તીના કારણે શહેરના બગીચાઓ લુપ્ત થઈ ગયા.


