સિવિલમાં અને એઇમ્સમાં રોજ ૧૦૦૦ થી ૧૫૦૦ દર્દીઓની ઓપીડી : ૨૦૦થી વધુ ઇન્ડોર દર્દીઓ દાખલ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વર્ષી રહ્યા છે. તો બીજી તરફ એક પછી એક સિસ્ટમો સાથેના વાદળો સૌરાષ્ટ્ર ઉપર છવાયેલા રહેતા છેલ્લા દસ દિવસથી રાજકોટ શહેરમાં સૂર્યનારાયણ દેવના દર્શન થયા નથી. જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે. હાલ રાજકોટની બે મોટી હોસ્પિટલો સરકારી હોસ્પિટલ અને એઇમ્સ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. દરરોજના બંને હોસ્પિટલોમાં 2500 થી 3000 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા ઉર્જા પ્રમાણમાં દવાનો સ્ટોક પણ રાખવામાં આવી રહ્યો છે.
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી તડકો ન પડવાના કારણે રોગચાળો વકર્યો છે. ખાસ છેલ્લા એક સપ્તાહથી રોગચાળો વધુ જોવા મળ્યો છે.વરસાદી માહોલ વચ્ચે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા રોગ ફેલાવતા મચ્છરો અને ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડફલાય માખી અને પેટ બગાડતી વાસી ભેળસેળિયું ખાણીપીણનું વેચાણ, ઝડપથી ફૂગ ચડીને બગડી જતા ખોરાક અને બેક્ટેરિયાનું વધતું પ્રમાણ સહિતની વસ્તુઓ રોગનું કારણ બને છે. તેની સામે તંત્રની કામગીરી નહિવત પ્રમાણમાં રહી છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ સામે આવ્યા બાદ તંત્રએ તે વિસ્તારોમાં દવાનો છંટકાવ લોકોની તપાસ સહિતની આરોગ્ય લક્ષી કામગીરી કરી રહી છે.
તંત્ર દ્વારા ખરેખર આ રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા ઝુંબેશ, પીવાના પાણીનું ટેસ્ટિંગ, ડોટ ટુ ડોર રોગચાળાનું સર્વેક્ષણ અને નિદાન સહિતની કામગીરી હાથ ધરવી જોઈએ. તો જ આ રોગચાળો કાબુમાં આવી શકે તેમ છે. અન્યથા હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં લાઈનો જોવા મળશે. હાલ સરકારી હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં 1500 જેટલા ઓપીડી કેસો આવી રહ્યા છે. તો શહેરની ભાગોળે નિર્માણ પામેલી એઇમ્સ હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં 2000 જેટલા ઓપીડી કેસ સામે આવ્યા છે. આમ રાજકોટ શહેરમાં આખો દિવસ દરમિયાન ત્રણથી સાડા ત્રણ હજાર કેસો રોગચાળાના કારણે દર્દીઓમાં જોવા મળે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી અને પેટના રોગો વધારે સામે આવી રહ્યા છે. જ્યારે ઝાડા ઉલટી બંધ ન થતા હોય તેવા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તાવ પણ ઉતરતો ન હોય અને અશક્તિ આવી ગયેલ હોય તેવા દર્દીઓને પણ દાખલ કરવામાં આવયા છે. હાલ રાજકોટની સરકારી હોસ્પિટલમાં 200થી પણ વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે હજુ સુધી કોઈ રાજકીય નેતાઓ, ધારાસભ્યો, સાંસદો કે સ્થાનિક લેવલના મેયર ચેરમેન હોસ્પિટલે ડોકાયા નથી. હોસ્પિટલમાં દર્દીઓને શું મુશ્કેલી પડી રહી છે અને સારવાર મળે છે કે નહીં તે અંગેની દરકાર પણ લીધી નથી. ચૂંટણી સમયે શેરીએ ગલીએ હાથ જોડીને જોવા મળતા આ નેતાઓ મુશ્કેલી સમયે પ્રજાની વચ્ચે ડોકાતા પણ નથી તે તાજું ઉદાહરણ હોસ્પિટલ પર ઉભરાતી લાઈનો પરથી જોવા મળી રહ્યું છે.
શહેર અને આસપાસના વિસ્તારમાંથી ઉભરાય છે દર્દીઓ
સતત વરસાદના કારણે રાજકોટ શહેરમાં રોગચાળો વકરયો છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલ અને નવનિર્માણ પામેલી એઇમસ હોસ્પિટલમાં સવારથી હજારો દર્દીઓ દવા લેવા માટે અને નિદાન કરાવવા માટે લાઈન લગાવીને ઉભા હોય છે. ત્યારે આ દર્દીઓ મોટાભાગે શહેરની ભાગોળે આવેલા એરીયા અને તાલુકા વિસ્તારના વધુ હોવાનું સામે આવી રહયું છે.
સવારે 5 વાગ્યાથી દર્દીના સગાઓ વહેલો વારો આવે તે માટે લગાવે છે લાઈનો
રાજકોટની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી દર્દીઓનો રાફડો ફાટ્યો છે. હજારો દર્દીઓ દવા લેવામાં માટે સરકારી હોસ્પિટલ અને એઇમ્સમાં ઉમટી પડે છે. ત્યારે જાણવા મળ્યા મુજબ દર્દીઓનો વહેલો વારો આવી જાય અને આખો દિવસ બગડે નહીં તે માટે દર્દીના અમુક સગાઓ રાત્રે તો અમુક સગાઓ વહેલી સવારે 5:00 વાગ્યાથી ઓપીડીની બારી પાસે લાઈન લગાવીને ઉભા રહી જાય છે. આમ કહીએ કે રાતવાસો અહીં કરે છે.તો ના ના કહી સકાઇ..
સિવિલમાં 1500 તો એઈમ્સમાં 2000 જેટલા કેશો દરરોજના નોંધાય છે
છેલ્લા દસ દિવસથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં જામેલા વરસાદી માહોલને કારણે રોગચાળોએ માઝા મૂકી છે ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે, તો નિદાન અને દવા માટે પણ હોસ્પિટલોમાં લાઈનો લાગી હોય તેવું સૂત્રો કહી રહ્યા છે. ખાસ કરીને સારી અને સસ્તી સારવાર મળી રહે તે માટે દર્દીઓ રાજકોટની ભાગોળે આવેલી એઇમ્સ હોસ્પિટલે ઉમટી પડે છે. બાકીના દર્દીઓ સરકારી હોસ્પિટલે જાય છે. ત્યારે સૂત્રોના કહેવા પ્રમાણે એઈમસમાં દરરોજના 2000 જેટલા કેસો નોંધાય છે. તો સરકારી હોસ્પિટલમાં 1500થી પણ વધુ કેસ દરરોજના સામે આવી રહ્યા છે.
ચાંદીપુરા લક્ષણો સાથે ત્રણ વર્ષનું બાળક દાખલ
રાજકોટની સરકારી હોસ્પિટલમાં દરરોજ ચાંદીપુરાનો એક નવો કેસ નોંધાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લા અથવા તો અન્ય જિલ્લામાંથી મજૂર પરિવારના બાળકો સારવાર અર્થે આવી રહ્યા છે. તે પૈકી રાજકોટની ઝનાના હોસ્પિટલમાં 9 બાળ દર્દીની ચાંદીપુરા વાયરસના લક્ષણો હોવાથી સારવાર ચાલી રહી છે. ત્યારે ગઈકાલે સાંજના સમયે ચાંદીપુરાના લક્ષણો ધરાવતો વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં પડધરી પંથકમાં ત્રણ વર્ષના બાળકને લક્ષણો દેખાતા તેને રાજકોટ લવાતા સારવાર અર્થે દાખલ કરાયો છે.