મહિલા આગેવાન ભાન ભૂલ્યા: દેવભૂમિ દ્વારકા પંથકના બે શખ્સને ફોનકોલમાં બેફામ ગાળો આપી
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન દેવભૂમિ દ્વારકા પંથકના બે શખ્સને ફોનકોલમાં બેફામ ગાળો આપી રહ્યા છે. ૮ મિનિટના આ ત્રણ ઓડિયોમાં મહિલા આગેવાન કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો બોલી રહ્યા છે અને વાર્તાલાપમાં ૨૧ ગાળ બોલ્યા હતા. જયારે આ બંને શખ્સે પણ મહિલા આગેવાનને અપમાનીત કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી અને અંતે બંનેએ માફી માંગી હતી.
ઓડિયોમાં થયેલી વાતચીત મુજબ દ્વારકાના જયેશ નામના વ્યકિતએ કુલ્ફી ખરીદ કરી હતી. તે કુલ્ફીમાંથી મૃત માંખી નીકળી હતી. જેથી જયેશે કુલ્ફીના વેપારી ગીરગઢડાના રવિ ગંગદેવને ફોન કરી ધમકાવ્યા હતા અને કેસ કરવાની વાત કરી હતી. આ મામલે રવિ ગંગદેવે તેના પરિચિત રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીને ફોન કરી જાણ કરી હતી. સોનલબેને દ્વારકાના જયેશને ફોન કરી વેપારીને શા માટે ધમકાવો છો તેવી વાતચીત શરૂ કરી હતી. જયેશે જે તે સમયે વાર્તાલાપ ટૂંકાવ્યો હતો. થોડીવાર બાદ જયેશે ફોન કર્યો હતો અને તેમાં ભાજપના આગેવાન સાથે વાત કરો તેમ કહી સોનલબેન સાથે મોહન નામના વ્યકિત સાથે વાત કરાવી હતછી અને મોહને પોતાની ઓળખ ભાજપના આગેવાન તરીકે અને પોતે દિલ્હીમાં અમિત શાહની ઓફિસમાં બેસતો હોવાનું અને અમિત શાહના પુત્ર જય શાહને પણ ઓળખતો હોવાની વાત કરી હતી.
ત્યારબાદ બીજા દિવસે મોહને સોશિયલ મીડિયામાં સોનલબેનની શ્વાન સાથે સરખામણી કરતો હતો અને તેમને અપમાનીત કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી. આ મામલે સોનલબેને ફરીથી જયેશ અને મોહન સાથે ટેલીફોનીક વાત શરૂ કરી હતી અને જયેશ તથા મોહનને ગાળો ભાંડી હતી. સોનલબેનના શબ્દો કાનમાંથી કીડા ખરી પડે તેવા હતા. અલગ-અલગ ત્રણ ઓડિયો ફરતા થયા હતા. ૮ મિનિટના ઓડિયોમાં મહિલા આગેવાન ૨૧ ગાળ બોલ્યા હતા. આ ઓડિયો ફરતા થતાં જ લોકોમાં ચર્ચા શરૂ થઇ હતી કે ભાજપના મહિલા આગેવાન તમામ મર્યાદા નેવે મૂકીને આવુ કઇ રીતે બોલી શકે?
આ અંગે સોનલબેન વસાણીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે મોહને તેમના માટે સોશિયલ મીડિયામાં હીન કક્ષાની પોસ્ટ મૂકી હતી. એટલું જ નહી તેમના સંવાદોમાં પણ છેડછાડ કરવામાં આવ્યો છે. આ અંગે તેમણે જે તે સમયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો પરંતુ મોહન અને જયેશે માફી માંગતો વીડિયો ફરતો કરતા અંતે વિવાદને સમેટી લીધો હતો. જો કે મહિલા આગેવાનની ભાષા અને તેના શબ્દો ચર્ચાનો વિષય બન્યા છે.