- એક દંપત્તિ અને આઠ વર્ષની કિશોરીના મૃતદેહો હતા
- હત્યાકાંડના મુખ્ય આરોપી ભુરા મોહન બામણીયા હજી ફરાર
- પોતાની પુત્રીની અવસાન શંકામાં કરી દંપત્તિની હત્યા
થોડાં દિવસ પહેલાં અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરીને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ અંગે આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.
ગત તારીખ 12 ના સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમા એક દંપત્તિ અને એક આઠ વર્ષની કિશોરીના મૃતદેહો હતા. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા. જેમા ત્રણેય ની હત્યા થઈ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
જેના અંગે આજે હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. હત્યા કરવા પાછળનું ચોંકાવનારૂ કારણ બહાર આવ્યું છે. થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડના મુખ્ય આરોપી ભુરા મોહન બામણીયાની દિકરીનું બિમારીના કારણે અવસાન થયું હતું.
જેના અંગે ભુરા મોહનને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતિ એ તાંત્રિક વિધિ કરી હતી જેના કારણે મૃત્યુ થયું હતું. બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપત્તિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે પછી 10 જાન્યુઆરીના રાત્રે ચાર લોકો 1. બબલુ ઉર્ફે પ્યાર સિંહ ભુરસિંહ વસુનીયા, 2. મેર સિંહ તીનચીયા પારદીયા, 3. ઈન્દ્ર કિશન વસુનીયા અને 4. ભુરા મોહન બામનીયા લાલાવદરની સીમમાં પહોંચ્યા હતા અને દંપત્તિ ની ગળુ દબાવી ને હત્યા કરી હતી. જોકે ત્યા હાજર રહેલી એક આઠ વર્ષ ની કિશોરી એ આ હત્યા તેમની નજર સામે જોઈ હતી અને હત્યારાઓ ને ઓળખી જતા તેમની પણ હત્યા કરી અને ત્રણેય લાશો ને કુવામાં ફેંકી દીધી હતી.


