જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાના પતિ, કારોબારી ચેરમેન સહિત ચાર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર પંથકમાં મીની બિહાર જેવી સ્થિતિ છે. કાર્ગોસેલ નામના ખનીજ દ્રવ્યની બેફામ ખનીજ ચોરી માટે માફીયા સિન્ડીકેટ અને રાજકીય માફીયાઓનું નેકસસ થયું છે. જેને કારણે અવાર-નવાર ગેરકાયદે ખનન દરમિયાન ગરીબ મજૂરોના મોત થાય છે. શનિવારે ભેટ ગામે ગેસ ગળતરથી ખાણમાં ઉતરેલા ત્રણ મજૂરોના ગુંગામણના કારણે મોત થયા છે. આ અંગે મૃતકોના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કર્યા બાદ રાજકીય અગ્રણીઓ સહિતના આરોપીઓ ફરાર થઇ ગયા છે. પોલીસની મીઠી નજર નહી રહે તો આરોપીઓને તાત્કાલીક ધોરણે ઝડપી લેવામાં આવશે.
આ કરૂણ ઘટનાની વિગત જોઇએ તો મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી ખરાબામાં આવેલ કોલસાની ખાણની કુવો જે તંત્ર દ્વારા બુરી નાંખવામાં આવ્યો હતો તેને ચાર શખ્સો દ્વારા ફરીથી ગેરકાયદેસર રીતે ખોદવા માટે ત્રણ શ્રમીકોને રાખ્યા હતા આથી ત્રણેય શ્રમીકો બુરી નાંખવામાં આવેલ કોલસાની ખાણના કુવાનું ખોદકામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન કુવામાંથી ગેસ નીકળતા ત્રણેય શ્રમીકોના ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા. જે અંગેની જાણ થતાં મૃતક શ્રમીકોના પરિવારજનો સહિત આગેવાનો ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને આ મામલે જીલ્લા ખાણ ખનીજ વિભાગ, મુળી પોલીસ તેમજ મામલતદારને જાણ કરી હતી. આથી તમામ ટીમો પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્રણેય શ્રમીકોના મૃતદેહને બહાર કાઢી મોડીરાત્રે પીએમ અર્થે મુળી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા અને બીજે દિવસે તમામ શ્રમીકોના મૃતદેહના પરિવારને સોંપવામાં આવતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. તેમજ કોલસાની ખાણનું ખોદકામ કરાવનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી જે મામલે મુળી પોલીસ મથકે મૃતકના પિતા સવશીભાઈ ડાભીએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. ત્યારે આ સમગ્ર બનાવમાં તંત્ર દ્વારા સરકારી ખરાબામાં કોલસાની ખાણનો કુવો બુરી નાંખ્યો હતો અને આ બુરેલ કુવાનું જીલ્લા પંચાયતના મહિલા સદ્દસ્યના પતિ તેમજ મુળી તાલુકાના પંચાયતના કારોબારી ચેરમેન સહિત અન્ય બે શખ્સો ગેરકાયદેસર રીતે શ્રમીકોને રાખી ખોદકામ કરાવતા હતા તેમજ ત્રણેય શ્રમીકોને કોઈપણ જાતના હેલ્મેટ કે સુરક્ષા, સલામતીના સાધનો કે ઓક્સીજન તેમજ માસ્ક વગર કોલસાનો કુવો ખોદાવતા હતા આથી ચારેયની બેદરકારીના કારણે ગેસ ગળતરથી ત્રણ શ્રમીકોના મોત નીપજ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અને માનવ વધ સા૫રાધ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભેટ ગામે ત્રણ શ્રમીકોના મોત નીપજ્યા તે સમગ્ર બનાવ સરકારી જમીનમાં બન્યો છે ત્યારે આ કેસમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજચોરી થતાં આ દુઃખદ ઘટના બની હતી.
ગેસ ગળતરથી મૃત્યુ પામનારા શ્રમિકો
(૧) લક્ષ્મણભાઈ સવશીભાઈ ડાભી ઉ.વ.૩૫, રહે.સાગધ્રા, તા.મુળી
(૨) વિરમભાઈ કુકાભાઈ કેરાળીયા ઉ.વ.૩૫, રહે.ઉંડવી, તા.થાન
(૩) ખોડાભાઈ વાધાભાઈ મકવાણા ઉ.વ.૩૨, રહે.ઉંડવી, તા.થાન


