- ત્રણ મહિના પહેલા જ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા
- પતિ નોકરી પર ગયો હતો ત્યારે ફાંસો ખાઈ લીધો
- પતિ નોકરી પરથી ઘરે આવતા પત્ની લટકતી મળી
સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુરતમાં ત્રણ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર 24 વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઈનના દિવસે જ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવતા અરેરાટી મચી ગઈ છે. ત્રણ મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દીકરીથી માતા-પિતા નારાજ હતા. જેના કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
આ અંગેની માહિતી અનુસાર, મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો. સુનિલ L&T કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. વતનમાં જ રહેતી 24 વર્ષીય વિજાંતીકુમારી સાથે તેને દોઢ વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી. ત્રણ મહિના પહેલા વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમલગ્ન કરીને સુરત આવી ગયા હતા.
તેમજ વિજાંતીના માતા-પિતા સહિતનો પરિવાર આ પ્રેમલગ્નથી નારાજ હતો. આથી ગઈકાલે વેલેન્ટાઈનના દિવસે જ સવારે સુનિલ નોકરી પર જતો રહ્યો હતો અને વિજાંતી ઘરે એકલી હતી. સુનિલ સાંજે આઠ વાગ્યે પરત ફરતા ઘરનો દરવાજો ખખડાવવા છતાં વિજાંતીએ ખોલ્યો નહોતો.
જ્યારે નોંધનીય બાબત છેકે, સુનિલને કંઈક અજુગતું થયું હોવાનો અણસાર આવતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા વિજાંતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી. પત્નીને લટકતી જોઈને સુનિલ આઘાતમાં છરી પડ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વજાંતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


