ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ઉપાસનામાં `આરતી’ એક મહત્ત્વની વિધિ છે. આરતી એક એવું વિધાન છે કે આરતી કરતા સમયે ભક્તિ, માનવ, ભગવાનની સાથે એકાકાર થઈ જાય છે. ધાર્મિક માન્યતા એવી છે કે, કોઈ વ્યક્તિ જ્ઞાની નથી. કોઈ વ્યક્તિ પંડિત નથી મંત્ર-સ્તોત્ર જાણતાં નથી. મંત્ર અને સ્તોત્ર વડે ભગવાનની પૂજા-આરાધના કરી શકતાં નથી. તે વ્યક્તિ સાચા હૃદયથી એક વાર આરતી પ્રગટાવીને ભગવાનની સામે ભગવાનનાં ચરણોથી લઈને મસ્તક સુધી ઘુમાવે તો ભગવાન તેમની પૂજાનો સ્વીકાર કરી લે છે. આરતી ઉપાસનામાં વાિજંત્ર અને ગાયન બંનેને પણ સ્થાન આપવામાં આવે છે. પ્રાચીનકાળથી દેવી-દેવતાઓની આરતીનું માહાત્મ્ય રહેલું છે.
આરતી કરવા માટેનો યોગ્ય સમય
સામાન્ય રીતે મંદિરોમાં મુખ્ય ત્રણ સમયે આરતી ઉતારવાનું વિશેષ મહત્ત્વ છે. સવારે, સાંજ અને રાત્રિના સમયે એમ ત્રણ વખત આરતી ઉતારવાનું વિધાન છે. ખાસ કરીને સવારની સંધ્યાએ, સાંજની સંધ્યાએ અને રાત્રિના શયન સમયે એમ ત્રણ વખત આરતી કરવામાં આવે છે. આરતીની દીવીઓ કે અન્ય પાત્રમાં રૂની વાટ બનાવી તેમાં ઘી અથવા તેલ પૂરી ભગવાનની સામે ઘુમાવતા ઘુમાવતા નખશિખ નિહાળતાં નિહાળતાં પ્રભુમય બની જવાય એવી હૃદયસ્પર્શી આ વિધિ છે. તમિલ ભાષામાં આ પ્રક્રિયાને `દીપ આરાધનય’ કહેવાય છે.
આરતીના પ્રકાર
આરતીના ઘણા પ્રકાર છે. બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનને જગાડતાં સમયે જે આરતી કરવામાં આવે છે. તેને મંગળા આરતી કહેવાય છે. ત્યારબાદ ભગવાનને સ્નાનવિધિ કરાવવામાં આવે છે. ત્યારબાદ જે આરતી ઉતારવામાં આવે છે તેને સ્નાન આરતી કહેવાય છે. એ પછી ભગવાનને વસ્ત્ર અલંકાર ફૂલમાળા ધરાવીને શૃંગાર કરવામાં આવે છે. ત્યારબાદ જે આરતી થાય છે તે શૃંગાર આરતી છે. આ ક્રિયા બાદ ભગવાનને ભોગ લગાવાય છે. ભોગ લાગી ગયા બાદ આરતી ઉતારવામાં આવે છે તે ભોગ આરતી ત્યારબાદ સાંજના સમયે જે આરતી કરવામાં આવે છે તેને સંધ્યા આરતી કહેવાય છે અને અંતમાં ભગવાનને પોઢાડતી વખતે શયન કરાવતાં સમયે આરતી કરવામાં આવે છે તેને શયન આરતી કહેવામાં આવે છે.
મુખ પ્રમાણે આરતીના પ્રકાર
એક વાટની આરતીને એકમુખી આરતી કહેવાય છે. એવી જ રીતે ત્રણ વાટ, પાંચ વાટ, સાત વાટ, નવ વાટ તેમજ વિશેષમાં એકી સંખ્યામાં વાટ મૂકીને આરતી કરવામાં આવે છે. એક વાટની આરતી એટલે એકમુખી, ત્રણ વાટની આરતી ત્રિમુખી અને પંચમુખી, સપ્તમુખી, નવમુખી વિશેષમાં બહુમુખી આરતી ઉતારવાનું પણ વિધાન છે. વિશેષ સંજોગોમાં શપ્તદીપક તેમજ સહસ્ત્રદીપ આરતી પણ કરવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, ક્યારેય પણ બેકી સંખ્યામાં વાટ મૂકીને આરતી કરવામાં આવતી નથી. બેકી સંખ્યામાં દીપક પ્રગટાવીને આરતી કરવાથી દોષ લાગે છે.
આરતી માટેના પાત્ર અને આરતી શણગાર
ખાસ કરીને એક વાટની, ત્રણ વાટની અને પાંચ વાટની આરતી બજારમાં ઉપલબ્ધ હોય છે. જ્યારે વિશેષ પૂજાવિધાન હોય ત્યારે આરતીની થાળીને વિશેષ રીતે સજાવીએ છીએ. એમાં પણ વિવિધતા જોવા મળે છે. કુમકુમ, ચંદન, કેસર, અષ્ટગંધ વડે આરતીની થાળીમાં અષ્ટદલ આકૃતિ બનાવીને તેના ઉપર દીપ પ્રગટાવીને આરતી ઉતારાય છે. વિશેષમાં ધન-ધાન્યની રંગોળી, થાળીમાં પૂરીને પણ આરતી સજાવાય છે. રંગબેરંગી પુષ્પો થાળી આરતીમાં પધરાવીને આરતી ઉતારાય છે. દેવી-દેવતાને પ્રિય હોય એવાં ફૂલ એવા ધાન્યથી આરતી થાળી શણગારી દેવી-દેવતાની આરતી ઉતારી તેની પ્રસન્નતા મેળવી શકાય છે.
કુંભ આરતી
ઘણાં દેવમંદિરોમાં કુંભથી ભગવાનની આરતી ઉતારવાનું વિધાન હોય છે. ખાસ કરીને કુંભમાં અનેક પવિત્ર નદીઓનાં જળને સમાવીને તેના ઉપર ઢાંકણ ઢાંકી તેના ઉપર વાટથી દીપ પ્રગટાવીને ભગવાનની કુંભ આરતી ઉતારવાનું પણ માહાત્મ્ય છે.
ખાલી કળશથી આરતી ઉતારવાથી જીવ શિવ સાથે એકાકાર થાય છે. કહેવાય છે કે ખાલી કળશમાં શિવનો વાસ હોય છે. જળથી ભરેલો કળશ એ દેવતાનું આસન છે. સમુદ્રમંથન સમયે શ્રી હરિ વિષ્ણુ ભગવાને અમૃત કળશ ધારણ કર્યો હતો. માટે કહેવાય છે કે કળશમાં દેવતાઓ બિરાજમાન હોય છે. કળશ ઉપર નાળિયેર પધરાવીને પણ આરતી કરવામાં આવે છે. નાળિયેરની શાખાઓમાંથી સકારાત્મક ઊર્જાઓનું નિર્માણ થાય છે. નાળિયેરમાંની સકારાત્મક ઊર્જા કળશના જળમાં જાય છે અને એ આરતીના માધ્યમ દ્વારા પ્રભુ પાસે પહોંચે છે. આ રીતે જીવાત્માનું સૂક્ષ્મ મિલન પ્રભુ સાથે થાય છે. આરતી એટલે પરમાત્માનું અને જીવાત્માનું દિવ્ય મિલન. જળભરેલા કળશમાં પાન, સોપારી, સુવર્ણ, ચાંદી, મુદ્રા, હીરા-માણેક પધરાવીને પણ પ્રભુની આરતી ઉતારાય છે. તુલસીદલ-વિશેષ ઔષધી પધરાવીને પણ ઈશ્વરની આરતી ઉતારવાનું વિધાન છે.
પૂર્ણ કપૂર આરતી
કર્પૂર ગૌરં કરુણાવતારમ્ સંસારસારમ ભૂજગેન્દ્રહારં સદાવસંત હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ કર્પૂર પુરેણ મનોહરેણ સુવર્ણ પાત્રામ જગસાંગેતન પ્રદીપ્ત વાસાય સ્તવ સાંગેતન નિરજ્જનમ તં જગદીશ કુર્યાત.
આ મંત્રથી ખરેખર શિવ અને પાર્વતીની આરતી ઉતારવાનું વિધાન છે. તેમ છતાં તમામ દેવી-દેવતાની પૂજામાં મુખ્ય આરતી થયા બાદ કપૂર આરતી વખતે આ મંત્રો બોલીને આરતી ઉતારાય છે. શું કામ? ખૂબ સરસ કથા છે કે જ્યારે શિવ અને પાર્વતીના વિવાહ થયા ત્યારે શ્રીહરિ વિષ્ણુ ભગવાને આ મંત્રથી શિવ-પાર્વતીની આરતી ઉતારી હતી અને શિવને પ્રસન્ન કર્યા હતા. તેથી દેવી-દેવતાને પ્રસન્ન કરવાના હેતુથી અંતમાં તમામ દેવી-દેવતાની આરતી કપૂરથી ઉતારવાનું વિધાન છે.