ST નિગમ સુવિધામાં કરશે વધુ એક વધારો
રાજકોટ સહિત ગુજરાતભરમાં આવેલા પ્રવાસન સ્થળોએ દોડશે વિસ્ટાડોમ બસ
ટેન્ડરીંગ અને ખરીદીની પ્રક્રિયા અંતિમ તબકકામાં, ત્રણ મહિનામાં દોડતી થશે
મુસાફરો આકાશ અને આસપાસના પહાડો કે જંગલનો ૧૮૦ થી 3૬૦ ડિગ્રી વ્યુ માણી શકશે
અગ્ર ગુજરાત, રાજકોટ
STની સેવાને અતિ આધુનિક બનાવવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા નવી બસો, વોલ્વો એસી સહિતની બસોની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. ત્યારે રાજય સરકાર વધુ એક આકર્ષણ ઉમેરવાની તૈયારીમાં છે.
ગુજરાત એસટી નિગમે પેસેન્જરોને આકર્ષવા અને પ્રવાસને વધુ યાદગાર બનાવવા માટે પોતાના કાફલામાં ‘વિસ્ટાડોમ બસ’નો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ માટેની ટેન્ડરિંગ અને ખરીદીની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે અને આગામી 3 માસમાં આ બસો ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળો પર દોડતી જોવા મળશે.
વિસ્ટાડોમ બસની સૌથી મોટી વિશેષતા તેની પારદર્શક છત અને મોટી સાઈડ વિન્ડો છે. સામાન્ય બસોમાં બહારનો નજારો મર્યાદિત હોય છે, પરંતુ આ બસમાં મુસાફરો આકાશ અને આસપાસના પહાડો કે જંગલોનો 180 થી 360 ડિગ્રી વ્યુ માણી શકશે.
એસટી નિગમે હજુ સુધી સત્તાવાર ભાડું જાહેર કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બસનું ભાડું નિગમની પ્રીમિયમ એસી અથવા વોલ્વો બસોના ભાડા જેટલું રહેવાની શક્યતા છે.
બેઠક ક્ષમતા: 30 થી 36 મુસાફરો માટે આરામદાયક પુશ-બેક સીટ્સ. લેમિનેટેડ ગ્લાસ: બસમાં લેમિનેટેડ સેફ્ટી ગ્લાસનો ઉપયોગ કરાયો છે, જે તીવ્ર પ્રકાશમાં પણ અંદરનું તાપમાન જાળવી રાખે છે અને UV કિરણોને અટકાવે છે.એર સસ્પેન્શન: મુસાફરોને આંચકા ન લાગે તે માટે હાઈડ્રોલિક સિસ્ટમ (એર સસ્પેન્શન) લગાવવામાં આવ્યું છે. પર્સનલ ચાર્જિંગ: દરેક સીટ પર મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ માટેના પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે.


