કેશોદના બામણાસા ગામે પત્નીની નજર સામે વ્યાજખોરોએ યુવાનની હત્યા કરી
દંપતિની દોઢ વર્ષની પુત્રીને ફળીયામાં ફંગોળી : પ લાખની રકમ સામે 3૪ લાખ આપવા છતાં વ્યાજખોરો ધરાયા નહી
સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાના ચિંથરા ઉડી રહ્યા છે. દરરોજ શહેરો અને ગામડાઓમાં હત્યા, હુમલા અને ધમકીઓના બનાવ બને છે. જાણે કે પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ ગુંડા અને માફીયા તત્વોએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું છે. ખાસ કરીને ગામડાઓમાં તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે વ્યાજખોરોએ જીવવું મુશ્કેલ બનાવી દીધુ છે. કેશોદના બામણાસા ગામે બનેલા એક ચોંકાવનારા બનાવમાં વ્યાજખોરોએ એક યુવાનની તેની પત્નીની નજર સામે હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે. એટલું જ નહીં આ ગુનાખોરોએ માનવતા નેવે મુકી આ દંપતિની માત્ર દોઢ વર્ષની પુત્રીને ફળીયામાં ફંગોળવાનું શૈતાની કૃત્ય કર્યુ હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ કેશોદના પીપલીયાનગરમાં રહેતા નિલેશભાઇ હાજાભાઇ વાઢીયાની બામણાસા ગામે ૧૪ વિઘા જમીન આવેલી છે. નિલેશભાઇના પિતા હાજાભાઇ રામભાઇ વાઢીયાએ ચારેક વર્ષ પહેલા બામણાસાના હરદાસ પીઠા નંદાણીયા પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. તેના બદલામાં જમીનનું લખાણ કરી આપ્યું હતું. હાજાભાઇ નિયમિત રીતે વ્યાજ પણ ભરતા હતા. હાજાભાઇએ અત્યાર સુધીમાં કુલ 3૪.૬૦ લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા છતાં હરદાસ પીઠા નંદાણીયા અને તેના પુત્ર મહેશ હરદાસ નંદાણીયા, દિનેશ હરદાસ નંદાણીયા વધુ ૨૪ લાખ રૂપિયાની ઉઘરાણી કરતા હતા.
ગઇકાલે નિલેશભાઇ, તેના પત્ની નયનાબેન, પિતા હાજાભાઇ બામણાસા વાડીએ હતા. બપોરે દોઢેક વાગ્યા આસપાસ નિલેશભાઇ અને તેના પત્ની નયનાબેન તેમજ દોઢ વર્ષની પુત્રી વિહા કતકપરા ગામે કાકાના ઘરે જવા નીકળ્યા હતા. તેઓ બામણાસા-ટીકર વચ્ચે પહોંચતા મહેશ હરદાસ અને દિનેશ હરદાસ બૂલેટ લઇ પાછળ આવ્યા હતા અને નિલેશભાઇના બાઇકને રોકી પૈસા કેમ આપતા નથી તેમ કહી પાઇપ વડે માર મારવા લાગ્યા હતાં. નયનાબેન વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. ત્યારબાદ આ બંનેએ નિલેશભાઇને તું અમારા ઘરે આવ ત્યાં આપણે વાતચીત કરીએ એવું દબાણ કરી નિલેશભાઇ તથા તેના પત્નીને બળજબરીપૂર્વક બામણાસા તેના ઘરે લઇ ગયા હતા. નિલેશભાઇ તથા તેના પત્ની ઓસરીમાં બેઠા હતા ત્યારે હરદાસ નંદાણીયાએ આવી તમે પૈસા આપતા નથી. આજે તમને પતાવી દેવા છે તેમ કહ્યું હતું. હરદાસ નંદાણીયાએ કોદાળી, મહેશે દાંતરડું અને દિનેશે લોખંડના પાઇપ વડે નિલેશ વાઢીયાને માર મારવા લાગ્યા હતાં. નયનાબેન વચ્ચે પડતા દિનેશની માતા જાનીબેને તેને પકડી રાખી હતી. દોઢ વર્ષની પુત્રી વિહાને ફળીયામાં ફંગોળી દીધી હતી. ત્યારબાદ આ શખ્સો નિલેશને માર મારતા-મારતા રૂમમાં લઇ ગયા હતા. બેફામ મારથી નિલેશ વાઢીયા બેભાન થઇ ગયો હતો. કોઇએ ૧૦૮ને ફોન કરતા નિલેશને કેશોદ સારવારમાં ખસેડાયો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જયાં ફરજ પરના તબીબે નિલેશ વાઢીયાને મૃત જાહેર કર્યો હતો. નયનાબેનને પગમાં ઇજા થવાથી તેને સારવારમાં દાખલ કરાયા હતા.
આ અંગે નયનાબેન નિલેશભાઇ વાઢીયાએ બામણાસાના હરદાસ પીઠા નંદાણીયા, મહેશ હરદાસ નંદાસણીયા અને જાનીબેન હરદાસ નંદાણીયા સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


