રાજકોટમાં એક માસ પહેલા થયેલા અગ્નિ કાંડને આજે એક મહિનો પુરો થતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શહેરના મુખ્ય ચોક જેમ કે ફુલછાબ ચોક, હનુમાન મઢી,રૈયા ચોકડી, ઈન્દીરા સર્કલ, સાંગણવા ચોક,ઢેબર ચોક,ત્રિકોણ બાગ ચોક સહિતના મુખ્ય ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગ્રાન્ટેડ શાળાઓ ચાલુ રખાતા N.S.U.I.ના કાર્યકરોએ બંધ કરાવી
રાજકોટ અગ્નિ કાંડને આજે એક મહિનો પુરો થતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગની શાળાઓએ શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હતું પરંતુ કેટલીક ગ્રાન્ટેડ શાળાઓએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવતા N.S.U.I.ના કાર્યકરો દ્વારા આવી શાળાઓ બંધ કરાવવામાં આવી હતી.

રાજકોટની શાળા-કોલેજોમાં મિશ્ર પ્રતિસાદ
રાજકોટમાં આજે શાળા-કોલેજ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શહેરની અનેક ખાનગી શાળાઓ તથા ગ્રાન્ટેડ શાળાઓ ખુલી હતી. જો કે કેટલીક શાળાઓ બંધ હતી. શહેરના કોંગ્રેસ અગ્રણી સંચાલિત ટ્રસ્ટની લાલબહાદુર શાસ્ત્રી કન્યા શાળા તેમજ માતૃમંદિર શાળા ખુલ્લી રહી હતી. જયારે જસાણી કોલેજ બંધ રહી હતી.


