- બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી નોંધાવી હતી
- ન્યૂઝીલેન્ડ 3/215, રચિન 68, ઓસ્ટ્રેલિયા 4/216
- ટિમ ડેવિડે 10 બોલમાં 31 રન ફટકારી ન્યૂઝીલેન્ડનો વિજય છીનવ્યો
છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી પ્રથમ ટી20 મુકાબલામાં ટિમ ડેવિડે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમે ત્રણ વિકેટે 215 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે ચાર વિકેટના ભોગે 216 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થયું છે. મિચલ માર્શને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જેણે 44 બોલમાં અણનમ 72 રનની ઇનિંગ રમવા ઉપરાંત 21 રનમાં એક વિકેટ ઝડપી હતી.
ટ્રેવિસ હેડ (24) અને ડેવિડ વોર્નરે (32) ઓસ્ટ્રેલિયા માટે આક્રમક શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લા 18 બોલમાં 43 રનની જરૂર હતી ત્યારે ટિમ ડેવિડે 10 બોલમાં બે બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે અણનમ 31 રન બનાવીને ન્યૂઝીલેન્ડનો વિજય છીનવી લીધો હતો. મેક્સવેલે 11 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં ડેવોન કોનવેએ 46 બોલમાં 63 તથા રચિને 35 બોલમાં 68 રન બનાવ્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી નોંધાવી હતી. આ મેચ મેક્સવેલ તથા ટિમ સાઉથી માટે વિશેષ બની હતી. મેક્સવેલે (104 મેચ) ઓસ્ટ્રેલિયા તરફથી તથા સાઉથીએ (123 મેચ) ન્યૂઝીલેન્ડ તરફથી સર્વાધિક ટી20 મેચ રમવાની સિદ્ધિ મેળવી હતી.


