- અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર તેજ
- ટિમ સ્કોટ પાર્ટીના પહેલા અશ્વેત ઉમેદવાર બનવાના પ્રયાસમાં
- ન્યૂ હેમ્પશાયરમાં ટ્રમ્પની રેલી પહેલા મળ્યું સ્કોટનું સમર્થન
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી થવા જઈ રહી છે. તેના માટે તમામ ઉમેદવારો જોર-શોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. એકબીજાથી આગળ જવાની હોડમાં આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે હવે સમાચાર એવા આવ્યા છે કે દક્ષિણ કેરોલિનાના રિપબ્લિકન સેનેટર ટિમ સ્કોટએ નિર્ણય લીધો છે કે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિનું સમર્થન કરશે.
રિપબ્લિકન પાર્ટી તરફથી પહેલા અશ્વેત ઉમેદવાર બનવાનો પ્રયાસ કરી રહેલ સેનેટર ટિમ સ્કોટ ગત વર્ષ જ રાષ્ટ્રપતિ પદની રેસ માંથી બહાર નીકળી ગયા હતા. તેમણે આમ કરવા માટે કોઈ કારણ નહોતું આપ્યું. ત્યારે, હવે તેમણે ટ્રમ્પનું સમર્થન કરવાની વાત કરી છે. આ વાતની પુષ્ટિ સ્કોટના નજીકના સૂત્રએ કરી છે.
ન્યૂ હેમ્પશાયરમાં રેલી કાઢવાની તૈયારી
શુક્રવારે અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે આવતા મહિને થનારી દક્ષિણ કેરોલિના પ્રાઈમરી પહેલા ટ્રમ્પ સ્કોટનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં તેઓ હરીફ નિક્કી હેલીનો સામનો કરવાના છે. આવી સ્થિતિમાં સ્કોટનું સમર્થન મળવું ટ્રમ્પ માટે સારા સમાચાર હોઈ શકે છે. સ્કોટનું સમર્થન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ આ આ સપ્તાહના અંતે ન્યૂ હેમ્પશાયરમાં રેલી યોજવાની તૈયારી કરી રહ્યા છે.
નિક્કી હેલી માટે મોટા આંચકા સમાન
ડોનાલ્ડ ટ્રમ્પને ટિમ સ્કોટનું સમર્થન નિક્કી હેલી માટે મોટો આંચકો બની શકે છે. આ સમર્થનને હેલી સાથે વિશ્વાસઘાત તરીકે પણ જોઈ શકાય છે. કારણ કે હેલી જ્યારે સાઉથ કેરોલિનાના ગવર્નર હતા ત્યારે તેમણે સ્કોટને યુએસ સેનેટમાં નિયુક્ત કર્યા હતા. જો કે, ન્યૂ હેમ્પશાયરમાં મંગળવારના મતદાન પહેલા નોમિનેશન માટે તે હજુ પણ ટ્રમ્પ સામે ટક્કર આપી રહી છે.
આયોવા કોકસમાં મળી ટ્રમ્પને જીત
આયોવા કોકસમાં ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થકો ખાસ્સા ઉત્સાહમાં છે. હવે તેમની નજર ન્યૂ હેમ્પશાયરમાં યોજાનારી કોકસની ચૂંટણી પર છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્કોટ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સાથે શુક્રવારે તેમના ફ્લોરિડા રિસોર્ટથી ન્યૂ હેમ્પશાયર જશે.


