સમય અને કામના આયોજનથી કામ ઝડપથી પૂર્ણ થશે જેના કારણે મહિલાઓને
પોતાની પસંદગીના શોખ પૂરા કરવાનો સમય પણ મળી રહેશે.
વર્તમાન સમયમાં મોટાભાગની મહિલાઓ ઘર પરિવારની જવાબદારી સાથે અન્ય કામગીરી પણ કરતી હોય છે. જ્યારે મહિલા નોકરી અથવા બિઝનેસ કરે સાથે ઘરની જવાબદારી પણ સંભાળે ત્યારે આ બંને મોરચે જવાબદારી સંભાળવાનું કઠિન બની જતું હોય છે, પરંતુ ભગવાને મહિલાઓને શક્તિનો અખૂટ ભંડાર આપ્યો છે ત્યારે નોકરી અને ઘર બંનેને બેલેન્સ રાખીને મહિલા કામ કરી શકે છે. આ માટે તેણે નાના નાના પગલાઓનું ધ્યાન રાખવું પડશે. જો મહિલા આવી બાબતો ધ્યાનમાં રાખશે તો બંને જવાબદારીઓ નિભાવવાની સાથે તે પોતાના માટે પણ સમય કાઢી શકશે. પોતાને મનગમતી પ્રવૃત્તિ પણ કરી શકશે. આ માટે અમુક ટિપ્સ અને ટ્રિક્સની જાણકારી હોવી જરૂરી છે. ટાઈમ મેનેજમેન્ટ અને ટાસ્ક મેનેજમેન્ટ એ કોઈપણ મહિલાનું હથિયાર છે. મહિલા ગૃહિણી હોય કે પછી વર્કિંગ વિમેન હોય અમુક બાબતોનું ધ્યાન રાખવાથી તેની પાસે સમયની અછત રહેશે નહીં. કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા બીજલ સોનીએ કેટલીક માહિતી આપી છે જેમકે
*સવારે ઊઠી આખા દિવસમાં કામ માટે આયોજન કરો:સવારે ઉઠો ત્યારે જ સમગ્ર દિવસ દરમિયાન કરનારા કામ માટેનું આયોજન કરી લો. ક્યારે શું કામ કરવાનું છે તેનો સમય પણ લખી લો જેથી સમયની બચત થશે અને કામ ઝડપથી થશે
*કામની વહેંચણી કરી નાખો:ઘરના કામની વહેંચણી કરી નાખો જેમ કે એક્સ્ટ્રા નાસ્તા બનાવવા,વધારાના કપડાં ધોવા તથા કબાટ કે રૂમની સફાઈ કરવી આ બધા કામની વહેંચણી કરો. દર રવિવારે કોઈ એક કામ હાથમાં લો અને તે પૂરું કરો. જેથી એક સાથે કામ ભેગું થઈ જશે નહીં.
*સમયની બચત કરતા મશીનનો ઉપયોગ કરો:ગૃહિણીઓના સમયની અને મહેનતની બચત કરતા અનેક પ્રકારના મશીનો આજકાલ બજારમાં ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી તમે ચિંતા મુક્ત રહી શકશો જેમ કે વેક્યુમ ક્લીનર વોશિંગ મશીન વગેરે. હવે તો ડિશ વોશર પણ બજારમાં ઉપલબ્ધ છે.
*અમુક કામમાં પરિવારને પણ સાથે જોડો:ઘણી વખત ગૃહિણી એકલા હાથે જ બધું કામ સંભાળતી હોય છે પરંતુ ઘરમાં અમુક કામ માટે બાળકો અને વડીલોની મદદ પણ લઈ શકાય છે જેમ કે રમત રમ્યા બાદ રમકડા ગોઠવવા ગેમ્સ ગોઠવવી પોતાના કબાટ ગોઠવવા તેમ જ સ્કુલ બેગ તૈયાર કરવી સ્કૂલ યુનિફોર્મ તૈયાર કરવો વગેરે. મહિલાઓએ પરિવારના સભ્યો ની મદદ લેવાની ટેવ પાડવી પડશે. ઘણી વખત મહિલાઓ મનમાં વિચારતી હોય છે કે બીજા લોકોને તકલીફ નથી આપતી પરંતુ તેઓની થોડી મદદ પણ તમારું કામ સરળ કરી શકે છે.
*રાત્રે સુતા પહેલા કામની તૈયારી કરી લો:રાત્રે સુવા જાઓ ત્યારે પહેલા આગળના દિવસના કામની તૈયારી કરી શકાય છે જેમ કે બાળકોના લંચ બોક્સ પેક કરવા વોટર બોટલ ભરી લેવી શાક સમારી લેવું. તેમજ ઘરમાં બધું વ્યવસ્થિત ગોઠવી લેવું આ બધું આગલા દિવસે રાત્રે કરી શકાય છે.
*એક સાથે થઈ શકતા કામ કરી સમયની બચત કરો: ઘણા કામ એવા હોય છે કે જે એક સાથે કરી શકાય છે જેમ કે શાક ચડી જાય ત્યાં સુધીમાં કપડાં મશીનમાં નાખી શકાય અથવા તો બગીચામાં પાણી પીવડાવી શકાય આ ઉપરાંત કુકર થાય ત્યાં સુધીમાં અન્ય શાક સમારી શકાય કે પછી રોટલી બનાવી શકાય આમ
મલ્ટીટાસ્કિંગના અભ્યાસથી કામ ઝડપથી થશે.
આ પ્રકારે કામની ગોઠવણ કરવાથી ઘરનું કામ પણ થઈ જશે અને ગૃહિણીને પોતાની પસંદગી ના શોખ પૂરા કરવાનો સમય પણ મળી રહેશે આ વધારાના સમયમાં તેઓ બાળકો સાથે કવોલીટી ટાઈમ પસાર કરી શકશે પોતાને મનગમતી પ્રવૃત્તિ પણ કરી શકશે ઘરની જવાબદારી સરળતાથી પૂરી થતી હોય ત્યારે માનસિક રીતે પણ શાંતિ રહે છે અને ત્યારે કલાત્મક કામ માટે પણ વિચારોને વાળી શકાય છે.