ઘરના રસોડામાં એવા અનેક મસાલા છે જેનો ઉપયોગ કરી આપણે સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરી શકીએ છીએ. ગુજરાતીઓને ભોજનમાં મીઠાઈ અને મુખવાસ અવશ્ય જોઈએ. આના વગર તેમનું ભોજન અધુરું માનવામાં આવે છે. મીઠાઈમાં ઉપયોગમાં લેવાતી ઇલાયચી અને જેના વગર મુખવાસ અધૂરો કહેવાય તે વરિયાળી સ્વાદ વધારવા સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.
વરિયાળી અને એલચીમાં રહેલા છે ઔષધીય ગુણધર્મ
લગભગ દરેક ભારતીય રસોડામાં હાજર વરિયાળી અને એલચીમાં અનેક ઔષધીય ગુણધર્મ રહેલા છે. વરિયાળીમાં વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જ્યારે એલચીમાં વિટામિન-સી, આયર્ન, મેંગેનીઝ, કેલ્શિયમ, રિબોફ્લેવિન, નિયાસિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે. આ બંને મસાલામાં રહેલ આ પોષકતત્ત્વોના કારણે આયુર્વેદમાં ઉપચાર કરવામાં ઉપયોગમાં લેવાય છે. અનેક રોગોની સારવાર માટે આર્યુવેદમાં વરિયાળી અને ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે.
ઘરના રસોડામા રહેતા આ બંને મસાલાના પાણીનું સેવન આરોગ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે. જાણો તેના મુખ્ય ફાયદા.
- વરિયાળી અને ઇલાયચીના પાણીનું સેવન જઠરતંત્રને મજબૂત બનાવે છે. આ પાણીનું નિયમિત સેવન પાચન તંત્ર સુધારવા સાથે એસિડિટી અને ગેસની સમસ્યામાં રાહત આપે છે.
- મોઢાની દુર્ગંધ દૂર કરવા ને નેચરલ માઉથ ફ્રેશનર તરીકે વરિયાળીના પાણીનું સેવન કરી શકાય. આ ઉપરાંત આ પાણીનું સેવન કરવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને ચરબીમાં ઘટાડો થતા વજન ઘટાડવા માટે અકસીર ઘરેલુ ઉપચાર કહી શકાય.
- ખાસ કરીને સ્ત્રીઓમાં માસિક ધર્મ સંબંધિત તકલીફો ઓછી થાય છે. તેમજ આંખોની બળતરા પણ દૂર થશે. આ પાણીનું સેવન કબજિયાત, ગેસ, અપચો અને એસિડિટી જેવી પાચન સમસ્યાઓમાં રાહત મળે છે.
- વાસ્તવમાં, આ બંને મસાલામાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે, જે હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે.
- આ પાણીનું સેવન કરવાથી ત્વચા કાંતિમય બને છે. ચહેરાનું તેજ વધારવા સાથે ખીલની સમસ્યા દૂર કરવામાં પણ વધુ ઉપયોગી છે.
કયારે કરવું આ પાણીનું સેવન
વરિયાળી અને ઇલાયચનું પાણીનું સેવન કરવા તમે બંને મસાલાને જુદી-જુદી રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો. અને બંનેને સંયુક્તપણે પણ ઉપયોગમાં લઈ શકો છો. તમારી જરૂરિયાત મુજબ તમે આ પાણીનું સેવન કરી શકો છો. આ પાણીનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો કહેવાય છે. જો સવારે ખાલી પેટે તેનું સેવન કરવામાં આવતો સૌથી વધુ લાભ થાય છે. અથવા તો તમે રાત્રે સૂતા પહેલાં પણ આ પાણીનું સેવન કરી શકો છો. ખાસ કરીને જયારે તમે માનસિક તણાવ અનુભવતા હોવ ત્યારે રાત્રે આ પાણીનું સેવન કરવાથી રાહત મળશે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.