- સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહને જીવનમાં ઉતારનાર ભગવાન પાર્શ્વનાથ જૈન ધર્મના 23મા તીર્થંકર છે
જ્યારે કોઈ દિવ્ય ચેતનાનું ધરતી પર અવતરણ થાય છે ત્યારે તેની પાછળ હંમેશાં જનકલ્યાણનો જ ઉદ્દેશ રહેલો હોય છે. દરેક મહાન વિભૂતિ માનવધર્મની રક્ષા માટે અને તેના ઉદ્વાર માટે ધરતી પર અવતરે છે. પાર્શ્વનાથનો જન્મ પણ આવા જ કોઈ હેતુને લઈને થયો હતો. પાર્શ્વનાથ તેમના જીવન-આચરણ દ્વારા જગતના લોકોને એ સમજાવવા માગતા હતા કે સંસારનાં નાશવંત સુખો પાછળ દોડવા કરતાં આત્મિક સુખને પામવા માટે સાધનામાં રત રહો.
આત્મજ્ઞાનથી જ જીવનને સાર્થક કરી શકાય તેમ છે અને મૃત્યુના રહસ્યને પામી શકાય છે. પાર્શ્વનાથે જગતને આ તથ્ય સમજાવવા માટે આજીવન તપ કર્યું અને સત્ય, અહિંસા અને અપરિગ્રહના ગુણોને આત્મસાત્ કરીને તેમણે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી.
તેમણે જગતને પણ આ અલૌકિક, આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરવા માટે સાધનાના માર્ગે ચાલવા પ્રેરિત કર્યા. તીર્થંકર પાર્શ્વનાથનો જન્મ ત્રણ હજાર વર્ષ પૂર્વે માગશર મહિનાની વદ દસમના દિવસે વારાણસીમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજા અશ્વસેન હતું અને માતાનું નામ વામદેવી હતું. તેમના પિતા વારાણસીના રાજા હતા. સ્વાભાવિક છે પિતા રાજા હોવાથી તીર્થંકર પાર્શ્વનાથનું બાળપણ અતિ વૈભવમાં વીત્યું હતું. તેમનામાં બાળપણથી વૈરાગ્યભાવ હતો. તેમને ધનવૈભવનું લેશમાત્ર પણ આકર્ષણ ન હતું. ભગવાન પાર્શ્વનાથને ભરયુવાનીમાં આત્મજ્ઞાન થઈ ગયું હતું, તેથી જ તેમણે ત્રીસ વર્ષની ભરયુવાનીમાં રાજકુમારના વૈભવી જીવનનો ત્યાગ કરીને વિધિવત્ સંન્યાસ સ્વીકાર્યો હતો. તેમણે 83 વર્ષ આકરી તપસ્યા કરી હતી અને આધ્યાત્મિક જગતની દરેક સિદ્ધિને પ્રાપ્ત કરી હતી. 84મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું હતું.
પાર્શ્વનાથે જ્ઞાનની પ્રાપ્તિ બાદ લોકોને સત્ય, અહિંસા અને અસ્તેયની શિક્ષા આપી. તેમણે જગતને કલ્યાણકારી માર્ગે વાળવા માટે ચાર સંઘની સ્થાપના કરી હતી. તેમના અનુયાયીમાં નાના-મોટાનો કોઈ ભેદભાવ ન હતો. ભગવાન પાર્શ્વનાથ પહેલાં સમાજમાં શ્રમણોનું કોઈ આગવું સ્થાન ન હતું. તેમના થકી જ શ્રમણોને સમાજમાં ઓળખ મળી. તીર્થંકર પાર્શ્વનાથે સિત્તેર વર્ષ જૈન ધર્મના પ્રચાર, પ્રસાર અને સાધના માટે જ વ્યતીત કર્યાં. આ રીતે તેમણે આધ્યાત્મિક્તાની ચરમસીમા સર કરી સો વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો.
ભગવાન પાર્શ્વનાથ જૈન ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, તેથી જ દેશના મોટાભાગનાં સ્થળોએ પાર્શ્વનાથનાં ભવ્ય મંદિર જોવા મળે છે. પાર્શ્વનાથ ભગવાનનું મુખ્ય ચિહ્ન સર્પ, ચૈત્ય વૃક્ષ, ધવ, યક્ષ, માતંગ, યક્ષણી અને કુષ્માંડી છે. અગિયાર સર્પના છત્રની છાયા તેમની મૂર્તિની આગવી ઓળખ છે. તીર્થંકર પાર્શ્વનાથનું સૌથી પ્રાચીન મંદિર ગુજરાતના શેત્રુંજય ડુંગર પર આવેલું છે. આ સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ પાર્શ્વનાથ ભગવાનનાં મંદિર આવેલાં છે.
મધ્ય પ્રદેશનું ખજુરાહો શહેર તીર્થંકર પાર્શ્વનાથના મંદિર માટે જાણીતું છે. અહીં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો દર્શનાર્થે આવે છે. વાસ્તુ અને શિલ્પકલાને ધ્યાનમાં રાખીને મંદિર બંધાવવામાં આવ્યું હોવાથી શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ પણ તે બેનમૂન છે. આ મંદિરના મુખ્ય ભાગમાં મંડપ, મહામંડપ, ગર્ભગૃહ છે. તેમના પ્રવેશદ્વારમાં યક્ષ, ગંધર્વની મૂર્તિઓ મૂકેલી છે. આ રીતે કલાકૃતિથી સજ્જ આ મંદિરનું શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ પણ અનેરું મહત્ત્વ છે.
તીર્થંકર પાર્શ્વનાથનું સમગ્ર જીવન આકરી તપસાધનામાં વીત્યું હોવાથી આજે પણ તેમના સૂક્ષ્મ દેહની અનુભૂતિ ચેતના સ્વરૂપે તેમની દરેક પ્રતિષ્ઠિત મૂર્તિમાં અનુભવાય છે, તેથી જ જૈન ધર્મના લોકો તેમની મૂર્તિના સાંનિધ્યમાં ચેતનાની દિવ્ય અનુભૂતિ કરે છે.