- કોંગ્રસ-TMC વચ્ચે INDI ગઠબંધન હેઠળ સીટ શેરિંગનો ઉકેલ
- TMC પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ માટે 5 બેઠકો જતી કરશે
- દાર્જિલિંગ, રાયગંજ સહિત પાંચ બેઠકો પર કોંગ્રેસ લડશે ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને મમતા બેનર્જીની પાર્ટી TMC વચ્ચે ‘INDI’ ગઠબંધન હેઠળ સીટ શેરિંગ ફાઇનલ થઈ ગયું છે. સૂત્રોએ શનિવારે 24 ફેબ્રુઆરીના રોજ માહિતી આપતા જણાવ્યું છે કે TMC પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ માટે 5 બેઠકો જતી કરશે. TMCએ કોંગ્રેસને જે બેઠકો આપવા સહમતી દર્શાવી છે તેમાં દાર્જિલિંગ, રાયગંજ, દક્ષિણ માલદા, બહેરામપુર અને પુરુલિયાનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઉપરાંત મેઘાલય અને આસામ માટે પણ સીટ શેરિંગનો ઉકેલ મળી ગયો છે. કોંગ્રેસ મેઘાલયની તુરા સીટ TMC ને આપવા તૈયાર છે. આસામમાં પણ કોંગ્રેસ TMC માટે એક સીટ જતી કરશે.
સૌથી મોટો હેતુ ભાજપની હાર: જયરામ રમેશ
આ પહેલા શનિવારે જ કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે બેઠકોની વહેંચણીની સંભાવના પર ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, “મમતા બેનર્જી અને TMCએ કહ્યું છે કે તેઓ ભારત ગઠબંધનને મજબૂત કરવા માંગે છે અને સૌથી મોટો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે.”
પહેલા મમતા બેનર્જીએ કરી હતી 2 બેઠકોની ઓફર
જણાવી દઈએ કે સીટ શેરિંગના મુદ્દે બન્ને પક્ષો કોંગ્રેસ અને TMC વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો કારણ કે TMCએ કોંગ્રેસને માત્ર 2 જ બેઠકોની ઓફર કરી હતી. તે પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. આ કારણે તેમના INDI અલાયન્સથી અલગ થવાની ખૂબ અટકળો ચાલી રહી હતી. બંને પક્ષોના કેટલાક નેતાઓના તીક્ષ્ણ નિવેદનો કરતાં પણ જોવા મળ્યા હતા.
કોંગ્રેસ અને AAP વચ્ચે ડીલ ફાઇનલ
લોકસભા ચૂંટણી પહેલા INDI ગઠબંધનમાં અન્ય એક ઘટનાક્રમમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ શેરિંગની શનિવારે જાહેરાત કરવામાં આવી. હાલમાં બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવા માટે સીટ વહેંચણી અંગે સમજૂતી કરી છે.


