- લોકસભામાં રજૂ થયો એથિક્ટ કમિટીનો રિપોર્ટ
- બીજેપી સાંસદ વિજય સોનકરે અહેવાલ રજૂ કર્યો
- લોકસભા અધ્યક્ષે મહુઆ મોઇત્રાની સંસદની સદસ્યતા કરી રદ્દ
શુક્રવારે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના સભ્યપદ સંબંધિત એથિક્સ કમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મહુઆ મોઇત્રા દોષિત ઠેરવવામાં આવી છે. જેને પગલે લોકસભાના અધ્યક્ષે મોઇત્રાની સંસદની સદસ્યતા રદ કરી છે. કેશ ફોર ક્વેશ્ચન કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. મહુઆ મોઇત્રાને સંસદમાંથી હાંકી કાઢવા માટે NDA દ્વારા લાવવામાં આવેલ ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. શુક્રવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ એથિક્સ કમિટિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
મહુઆ મોઇત્રા દોષિત
એથિક્સ કમિટીની તપાસમાં તેણીને દોષી ઠેરવવામાં આવી હતી. આ અહેવાલ શુક્રવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એથિક્સ કમિટીના રિપોર્ટ પર કાર્યવાહી માટે પ્રસ્તાવ મૂક્યો હતો. મહુઆ મોઇત્રા પર પૈસા લેવાનો અને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ છે.ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ટીએમસી સાંસદે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો હતો.
ગૃહમાં થઇ હતી ચર્ચા
મહુઆ મોઇત્રા વિરુદ્ધ લોકસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તે પહેલા ગૃહમાં ચર્ચા થઈ હતી. ઓમ બિરલાએ કહ્યું કે અમે અહીં ન્યાય નહી, ચર્ચા કરી રહ્યા છીએ. આ સદન ન્યાયાલયની જેમ કામ નથી કરતું. હું નિયમમાં રહીને વાત કરું છું. મારો અધિકાર નથી , સભાનો અધિકાર છે. સભાનો અધિકાર જો ન હોત તો મે ક્યારનો મારો નિર્ણય સંભળાવી દીધો હોત. તો અધીર રંજને કહ્યું કે કોઇ અમારી સાથે રહે કે ન રહે, સ્પીકર અમારી સાથે છે. તેઓ સાચો નિર્ણય લેશે.
છ સભ્યોએ અહેવાલની તરફેણમાં મતદાન કર્યુ
મહત્વનું છે કે ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરની આગેવાની હેઠળની એથિક્સ કમિટીએ 9 નવેમ્બરે તેની બેઠકમાં ‘પૈસા લેવા અને ગૃહમાં પ્રશ્નો પૂછવાના’ આરોપમાં મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની ભલામણ કરતો અહેવાલ સ્વીકાર્યો હતો. સમિતિના છ સભ્યોએ અહેવાલની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ પ્રનીત કૌરનો પણ સમાવેશ થાય છે. સમિતિના ચાર વિપક્ષી સભ્યોએ અહેવાલ પર અસંમતિ દર્શાવી હતી.


