- દારૂના દૂષણથી યુવાનોને દૂર રાખવા નિર્ણય
- દારૂ વેચનારને પાંચ બોરી બાજરીનો દાન કરવું પડશે
- દારૂ સાથે ઝડપાનારાઓએ અનાજનું કરવું પડશે દાન
હાલમાં દારૂના દૂષણના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા છે. આ વચ્ચે બનાસકાંઠાના થરાદના પઠામડા ગામે દારૂબંધીને લઈ ઠાકોર સમાજે નવા પ્રકારની જ શરૂઆત કરી છે. જેની જિલ્લા સહિત વિવિધ સમાજમાં ખુબ જ ચર્ચાનો વિષય બની છે. થરાદ ગામ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ખુબ જ સરાહનીય છે.
બનાસકાંઠાના થરાદના પઠામડા ગામે દારૂબંધીને લઈ દારૂનું વેચાણ કરનાર, પીનારા અને દેખનારા જો દારૂબંધી નહીં કરાવે તો દંડ વસુલ કરવામાં આવશે.ગામમાં યુવાનો દારૂના રવાડે ચડતાં ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોએ આ સામૂહિક નિર્ણય લીધો છે. તેમજ ગામ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે.
પઠામડા ગામે દારૂ વેચનારને પાંચ બોરી બાજરીનો ધર્માદો અને દારૂ પી અને તોફાન કરનારાઓને બે બોરી અને જે જાણે છતા અજાણ બને તે તેને એક બોરી બાજરાનો ધર્માદાની જાહેરાત કરી છે. આજના યુવાનો દારૂના રવાડે ન ચડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દારૂબંધીને લઈ ગ્રામજનોએ સામૂહિક નિયમો બનાવ્યા છે.
આ માટે પઠામડા ગામે નકળંગ ભગવાનના મંદિરમાં ઠાકોર સમાજના આગેવાનો ભેગા થયા હતા અને દારૂનું વેચાણ અટકે અને યુવાનો દારૂના રવાડે ન ચડે તે માટે એકઠા થઈને આ નિર્ણય લીધો હતો. આમ થરાદ ગામનો આ નિર્ણય ખરેખર સરાહનીય છે. જે ને લોકો આવકારી રહ્યા છે. કારણ કે ઠાકોર સમાજના આ નિર્ણયથી ગામના યુવાનો દારૂના રવાડે નહી ચડે અને દારૂનુ વેચાણ પણ અટકશે.


