‘પૈસાના વરસાદ’ના નામે અંધશ્રદ્ધાનો ખેલ
લક્ષ્મીજીનો ફોટો, હવન-છાણા અને રૂમ બંધ કરવાની વિધી બતાવી કનેસરા, હિમતનગર અને રાજકોટના શખ્સોએ રચ્યું ઠગાઈનું જાળ; આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા અને ટૂંકા રસ્તે અમીર બનવાની લાલચ લોકો માટે ઘાતક સાબિત થતી રહે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના રાજકોટમાં સામે આવી છે, જેમાં ‘પૈસાનો વરસાદ’ કરાવવાની કહેવાતી વિધીના નામે એક યુવાન દૂધના વેપારીને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. હવન, અગરબત્તી, લક્ષ્મીજીનો ફોટો અને રૂમ બંધ રાખવાની વિધી બતાવી ધીમે ધીમે વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ કટકે કટકે રૂ. 8.5 લાખ પડાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મૂળ વાંકાનેર પંથકના ઠીકરીયાળી ગામના વતની મનવીર હમીરભાઈ ડાંગર (ઉ.વ. 29)એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ દૂધનો વેપાર કરે છે. અગાઉ ડેકોરેશનના ધંધામાં નુકસાન થતાં તેઓ આર્થિક સંકટમાં મુકાયા હતા. આ દરમિયાન આટકોટ ચોકડી પાસે એક હોટલમાં મળેલા મગન ઠાકોર નામના શખ્સ સાથે તેમની ઓળખાણ થઈ, જે બાદમાં મિત્રતામાં ફેરવાઈ.
મનવીરે જ્યારે નવા ધંધા માટે નાણાંની જરૂરિયાત વ્યક્ત કરી ત્યારે મગને હોટલ અથવા લોનના બદલે ‘બાપુ દ્વારા પૈસા ડબલ કરાવવાની વિધી’ની વાત કરી લલચાવ્યા. મગને રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા ધવલ મનોજભાઈ જોષી ઉર્ફે ‘ધવલબાપુ’નો સંપર્ક કરાવ્યો. બાપુએ રૂપિયાનો વરસાદ કરાવવાની ખાતરી આપી અને તેના માટે ખાસ વિધી કરવાની શરતો મૂકી.
ફરિયાદ મુજબ, શરૂઆતમાં રૂ. 10 હજાર વિધીના ખર્ચ તરીકે લેવાયા. બાદમાં કનેસરાની એક વાડીમાં વિધી માટે જગ્યા નક્કી કરી રૂ. 50 હજાર રોકડા લેવામાં આવ્યા. થોડા દિવસ બાદ ફરીથી ‘વિધી અધૂરી છે’ કહી રૂ. 1.20 લાખ માંગવામાં આવ્યા, જે મનવીરે ઉછીના લઈ ચૂકવ્યા હતા. ત્યારબાદ શરૂ થયો હવન, અગરબત્તી અને છાણાનો ખેલ.
કનેસરાની વાડીમાં રૂમમાં લક્ષ્મીજીનો ફોટો, પાણીનો લોટો, આસોપાલવના પાન અને લાલ કપડું મૂકવામાં આવ્યું. 100 છાણાનો હવન, 14થી 15 અગરબત્તી, રૂમ બંધ રાખવાની સૂચનાઓ અપાઈ. ધવલબાપુ દ્વારા રૂમમાંથી ધૂમાડો કાઢી 50 રૂપિયાની નોટો ફેંકવાનો નાટક કરવામાં આવ્યું, પરંતુ અંતે માત્ર રૂ. 2300 જ મળ્યા. તેને ‘લાલ નિશાન’ હોવાનું કહી ફરીથી વિધીની જરૂર હોવાનું સમજાવવામાં આવ્યું.
આ રીતે ‘માતાજી ના પાડે છે’, ‘લાલ નિશાન દૂર કરવું પડશે’, ‘છેલ્લો હવન છે’ જેવા બહાનાં બતાવી વારંવાર પૈસા માંગવામાં આવ્યા. મનવીરે પોતાના દૂધના ધંધાના હિસાબમાંથી, તેમજ ઉછીના લઈ કુલ રૂ. 8.5 લાખ જેટલી રકમ ચૂકવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ દરમિયાન મગન મારફતે હિમતનગરના લાલસિંહ પરમાર નામના શખ્સ સાથે પણ સંપર્ક કરાવવામાં આવ્યો, જેમણે વિડિયો કોલમાં રૂપિયાના ઢગલા બતાવી વધુ વિશ્વાસમાં લીધા. ‘આંગડિયા દ્વારા રૂપિયા મોકલીશું’ કહી ફરીથી રૂ. 2.51 લાખ પડાવ્યા, પરંતુ અંતે ફોન બંધ કરી તમામ આરોપીઓ ગાયબ થઈ ગયા.
છેલ્લે ધવલબાપુએ ફરી સંપર્ક કરી ‘વિધી અધૂરી રહી છે’ કહી નવી જગ્યા પર હવન કરાવવાનું નાટક રચ્યું, જ્યાં રૂમ ખોલતા માત્ર રૂ. 1300 મળ્યા. ત્યારબાદ આરોપીઓ સંપૂર્ણપણે સંપર્કવિહોણા બની ગયા. પોતે છેતરાયો હોવાનું સ્પષ્ટ થતાં મનવીરે આજીડેમ પોલીસનો સંપર્ક કર્યો.
આ ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ધવલ મનોજભાઈ જોષી (કોઠારીયા, રાજકોટ), મગન ઠાકોર (કનેસરા) અને લાલસિંહ ઉદેસિંહ પરમાર (હિમતનગર) સહિત અન્ય સામે ઠગાઈ, વિશ્વાસઘાત અને સાથોસાથ કાવતરું રચ્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પીઆઈ એ.બી. જાડેજાની માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આર. રાઠોડ અને ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધશ્રદ્ધા અને ટૂંકા રસ્તે નાણા કમાવાની લાલચ કેટલાય પરિવારોને આર્થિક અને માનસિક રીતે તોડી નાખે છે. ‘પૈસાનો વરસાદ’ જેવા દાવાઓથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની આવી પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાયદાનો સહારો લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.


