- શહેરમાં આવેલી ડીવાયએસપીની કચેરી પોલીસ વિભાગના નામે કરવાનો વિવાદીત મુદ્દો
- રેલવે વિભાગ દ્વારા નગરપાલિકાને માત્ર ટોકન ભાડાનું જ ચુકવણું થાય છે
- નગરપાલિકાના વર્તમાન હોદ્દેદારોનો નવી અઢી વર્ષની ટર્મનો કાર્યકાળ શરૂ
આણંદ નગરપાલિકાની આજે મળનારી સામાન્ય સભા તોફાની બની રહેવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેમાં એજન્ડાના કામ નં. 35 અને 36માં લેવાયેલા મુદ્દાઓનો ભારે વિવાદ સર્જાય તે વાત નિશ્ચિત છે. જેમા કામ નં. 35માં રેલવે સ્ટેશન સામે આવેલી ડીવાયએસપી કચેરીની જગ્યા નગરપાલિકા દ્વારા પોલીસવિભાગના નામે ચઢાવવી, જયારે કામ નં. 36મા રેલવે સ્ટેશન બહારના પાર્કિંગ વિસ્તારની ખુલ્લી જગ્યા કે જે જગ્યા નગરપાલિકાએ વર્ષો અગાઉ રેલવે વિભાગને ટોકન ભાડે આપી હતી. તે કરાર પુર્ણ થતાં રીન્યુ કરવો, પરંતુ તગડુ ભાડુ વસુલતા રેલવે વિભાગ નગરપાલિકાને માત્ર ટોકન ભાડાની જ લોલીપૉપ આપીને મસમોટી આવક રળી લે છે. તદુપરાંત નગરપાલિકાના અઢી વર્ષના કાર્યકાળ માટે કમિટીઓની રચનાના મુદ્દે બેઠક લિવાદીત. બનવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
આણંદ નગરપાલિકાના નવયુક્ત પ્રમુખ જીગ્નેશ પટેલ, ચીફ ઓફિસર એસ.કે.ગરવાલના અધ્યક્ષસ્થાને આજે યોજાનાર સામાન્ય સભાના એજન્ડામા કુલ 72 કામોનો સમાવેશ કરવામા આવ્યો છે. જેમા સૌથી મહત્વના કામ નં.35માં વર્ષ 2017-18માં તત્કાલિન પ્રમુખ કાંતિ ચાવડાએ અવકુડા ઓથોરીટી હસ્તક ગયેલા નગરપાલિકાની માલિકીના 54 પ્લોટો પરત નગરપાલિકા હસ્તક લીધા હતા. પરંતુ છ વર્ષ થવા છતાંપણ પાલિકાના પ્લોટમાં હજુ સુધી નામ ચઢયુ નથી. તેમ છતાં આણંદ રેલવે સ્ટેશન પાસેના ટીપી સ્કીમ નં. 1, સર્વે નં.682, પ્લોટ નં. 270 જેનુ ક્ષેત્રફળ 1026 ચોમી, ઓપન સ્પેસની જગ્યા કે જયાં હાલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી આવેલી છે તે મિલ્કત પોલીસ વિભાગના નામે ચઢાવવા મળેલી દરખાસ્ત, તેવી જ રીતે કામ નં. 36મા આણંદ રેલવે સ્ટેશન બહાર આવેલી ટીપી સ્કીમ નં. 1 ફાયનલ પ્લોટ નં. 100, 101-1, 103, 104 વાળી 1562 ચોમી જમીન વર્ષો અગાઉ નગરપાલિકાએ રેલવે વિભાગને પાર્કિંગ માટે ટોકનભાડે આપી હતી. તે કરારનો સમય પુર્ણ થતાં પુનઃ નિર્ણય લેવાનો હોય, પરંતુ ન.પાની માલિકીની મિલ્કતમાં રેલવે વિભાગ દ્વારા તગડુ ભાડુ વસુલાય છે. જયારે બીજી તરફ નગરપાલિકાને માત્ર નજીવુ ટોકન ભાડુ ચુકવવામા આવે છે. જેથી આ બન્ને મુદ્દે આજની સભામાં ભારે ચણભણ થવાની સંભાવના રહેલી છે. પરંતુ સત્તાના જોરે દરવખતની જેમ આ વખતે પણ સામાન્ય સભા ગણતરીના મિનીટોમા જ પુર્ણ કરી ફાઇલોમા ધરબાઇ રહેલા એજન્ડાને સીફતથી મંજુરી આપવાનુ કાવતરૂ રચાયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
નગરપાલિકાની કમિટીઓના રચના મુદ્દે ખેંચતાણ
આણંદ નગરપાલિકાના વર્તમાન હોદ્દેદારોનો નવી અઢી વર્ષની ટર્મનો કાર્યકાળ શરૂ થયો છે.પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ ચુંટણીપ્ર્ક્રિયા 14મી સપ્ટેમ્બરે પુર્ણ થઇ છે. ત્યારે કમિટીઓની રચના ટલ્લે ચઢી હતી. ત્યારે આજે મળનારી સામાન્ય સભામાં કમિટીઓની રચના કરવામા આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. પરંતુ મલાઇદાર કમિટીઓમાંથી સિનીયરોની બાદબાકીને લઇને આંતરિક અસંતોષ અને ગજગ્રાહ ચરમસીમાએ હોવાનુ જાણવા મળ્યુ છે.


