- ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે PMનું વર્ચ્યુઅલ સંબોધન
- ખોડલધામના પ્રવેશદ્વારે રાષ્ટ્રધ્વજ લેહારાય છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- મેડ ઈન ઈન્ડિયાની જેમ વેડ ઈન ઈન્ડિયાનું સૂત્ર અપનાવવું જોઈએ
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પડધરીના અમરેલી ખાતે 245 કરોડના ખર્ચે આકાર પામનારી કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સેવા અને જનકલ્યાણના ઉમદા કાર્ય કરતા ખોડલધામ ટ્રસ્ટનો આ પ્રોજેક્ટ વધુ એક મિશાલ સર્જશે. તેમણે વિદેશમાં લગ્ન પ્રસંગો યોજવાને બદલે માં ખોડલના ચરણે લગ્ન પ્રસંગ યોજવાની હિમાયત કરતા કહ્યું કે, મેડ ઈન ઈન્ડિયાની જેમ વેડ ઈન ઈન્ડિયાનું સૂત્ર અપનાવવું જોઈએ.
વડાપ્રધાને કહ્યું હતું કે, સરકારે છેલ્લા નવ વર્ષોમાં 30 જેટલી કેન્સર હોસ્પિટલ શરૂ કરી છે અને 10 નવી કેન્સર હોસ્પિટલ બની રહી છે. કેન્સરના ઈલાજમાં વહેલી તકે નિદાન થવું જરૂરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેન્સર સહિતની ગંભીર બીમારીઓનું નિદાન વહેલી તકે થઇ શકે તે માટે કેન્દ્ર સરકારે ગ્રામ્ય સ્તરે દોઢ લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા છે. સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે 10,000 જેટલા જન ઔષધી કેન્દ્ર શરૂ કર્યા છે, જ્યાં બજારભાવ કરતા 80% ઓછા દરે દવાઓ મળે છે. પરિણામે દર્દીઓના દવા પાછળ થતા ખર્ચમાં રૂ. 30,000 કરોડની બચત થવા પામી છે. ગુજરાત ભારતનું મોટું મેડિકલ હબ બન્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ગામે-ગામ સીએચસી ખોલાયા છે.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે ત્યારે સમાજ સેવા માટે ધન અને દાનની સરવાણી માતાજીના આશીર્વાદ સ્વરૂપે મળી રહી છે. ખોડલધામ એ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે જીવન શૈલી અને વ્યસનથી ફેલાતા કેન્સરના રોગના નિવારણ માટે માટે આજે શુભારંભ થયેલી આરોગ્ય સંસ્થા સ્વસ્થ ભારતના વિકાસમાં નિર્ણાયક સાબિત થશે.


