વ્રજનો વસંતોત્સવ તેમના વૈભવ ઉલ્લાસ તથા અનેક વિવિધતાને કારણે સમગ્ર ભારતમાં સુપ્રસિદ્ધ છે. આ તહેવારમાં રાધા તથા કૃષ્ણની વિશુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ તથા અનોખું રૂપ પ્રતિબિંબિત થાય છે. વ્રજભૂમિનો સૂર્ય કિરણના ભારથી લચી ઊઠ્યો છે અને હવામાં આજકાલ વાસંતી માદકતા મંદ મંદ છવાતી જાય છે. જે ફાગણ થાળ ભરીને ગુલાલ લઈ સામે આવીને ઊભો છે અને સમગ્ર વાતાવરણને મુઠ્ઠીભર રંગ ભરીને ઉમંગસભર કરી રહ્યો છે. અહીં વ્રજમાં પ્રસન્નતાને વ્યક્ત કરવામાં ફાગણ વદ પાંચમ સુધી તો કોઈનીયે રોક ટોક થઈ શકે તેમ નથી. ફાલ્ગુની અષ્ટમીથી જ અહીં તો હવામાં રંગ ઊડવા લાગે છે. હોળી ઉત્સવની ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજભૂમિ જેવી ઉમંગભર ભૂમિ ભારતભરમાં નથી.
વ્રજભૂમિ એટલે ગોકુળ, મથુરા, વૃંદાવન, જતીપુરા, નંદગાંવ અને બરસાનાની પાવનભૂમિ. હોળીના રંગોત્સવ દરમિયાન વ્રજમાં ક્યાંક લોકસંગીત અને રાસની રમઝટ થાય છે, તો ક્યાંક કુસ્તીનાં દંગલ, નૃત્ય અને રસીલી ઢાઢીલીલા થાય છે. જેમાં વ્રજ સદંતર રીતે ખોવાઈ જાય છે. હોળીનાં વિવિધ લોકગીતો જેવાં કે ફાગ, દ્રુપદ, ધમાર, રસિયા, તાનો, રંગ કે ડફડી હોળી જેવાં ઋતુગીત વ્રજના દરેક નરનારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યા જ કરે છે. કહો કે હૃદયમાંથી સ્ફુરે છે. આ દિવસે ગાયનવાદન, નૃત્ય-નાટકો, લોકગીતો (રસિયા)નું માન કરવામાં આવે છે. સામૂહિક રીતે કાર્યક્રમો જેવા કે ચરકુલાનૃત્ય, હળનૃત્ય, હુક્કાનૃત્ય, વાંસનૃત્ય, તખ્તનૃત્ય, ચાંચરનૃત્ય, ઝૂલાનૃત્ય ને રાસલીલાથી વ્રજભૂમિની ગલીઓ ઊભરાય છે. આ રાસલીલાઓ પાછળ નારાયણ ભટ્ટ, જયદેવજી, હિત હરિવંશ મહાપ્રભુજી, સેવકજી મહારાજ, સ્વામી હરિદાસજી જેવાં સંતો, કવિઓ અને ભક્તોનું અનોખું યોગદાન છે.
હોળી-ધુળેટીના દિવસે વ્રજવાસીઓ એકબીજા સાથે નિર્દોષતાથી હસીમજાક તેમજ કટાક્ષ વાણી ઉચ્ચારે છે. ચંદન, ગુલાલ, અત્તર, પલાશના રંગો અને ગુલાબજળનો રંગબેરંગી પિચકારીથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે તથા રાધાજીએ પણ વૃંદાવનમાં પલાશનાં ફૂલોના રંગથી હોળી રમવાની શરૂઆત કરી હતી. બસ, ત્યારથી આજ દિન સુધી વૈષ્ણવ મંદિરો અને હવેલીઓમાં હોળીનું પર્વ પલાશના રંગોથી ઊજવાય છે.
એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી એકબીજાને અવનવી વાનગીઓ ખવડાવવાનો પણ કાર્યક્રમ યોજાય છે. આ બધા સુમધુર અને ભક્તિમય વાતાવરણમાં વ્રજભક્તો અને ગોપ-ગોપાંગનાઓ હૃદયના ઉત્તમ ભાવપૂર્વક આનંદમગ્ન થઈ ગાઈ ઊઠે છેઃ
`આજ બિરજ મેં હોરી રે રસિયા,
હોરી રે રસિયા બરજોરી રે રસિયા.’
ગીતો તથા કાવ્યો દ્વારા પ્રિયા-પ્રીતમનું સ્મરણ કરીને દરેક વ્રજવાસી રસિકજન બની જાય છે. આ પરંપરા હજુ સુધી ચાલતી આવી છે.
બરસાનાની લઠ્ઠમાર હોળી : વ્રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાનાની લઠ્ઠમાર હોળી છે. બરસાના એ નંદગાંવ પાસે આવેલું રાધાજીનું જન્મસ્થાન છે. અહીંની લઠ્ઠમાર હોળીની ખાસિયત એ છે કે નંદગાંવના છેલછબીલા યુવાનો રંગ ઉડાડતા નાચતા ગાતા હાથમાં ખાસ પ્રકારની ઢાલો લઈને બરસાના આવે છે. ત્યારે બરસાનાની યુવતીઓ સોળે શણગાર સજી લાંબા ઘૂમટા તાણીને કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે. બરસાનાની યુવતીઓ ચપળતાથી ફરી ફરીને લાઠીઓનો જમક2 પ્રહાર યુવાનો પ2 કરતી જાય છે. પુરુષો તેનો ખાસ પ્રકારની ઢાલથી પ્રતિકાર કરતાં કરતાં આ લાઠીનો માર સહન કરે છે. ત્યારે જો પુરુષો આ લઠ્ઠમારમાં પકડાઈ જાય તો તેમને મહિલાના પરિવેશમાં શૃંગાર સજીને નાચ નચાવવામાં આવે છે. પૌરાણિક કાળમાં પણ શ્રીકૃષ્ણને પણ બરસાનાની ગોપીઓએ આ રીતે નાચ નચાવ્યા હતા. અહીં દિવસ દરમિયાન જ નહીં, રાત્રિ પણ ગીત-સંગીત અને નૃત્યથી સભર રહે છે. અહીં સ્રીઓ અનેક પ્રજ્વલિત દીપની ધાતુની ભારે આરતી લઈને ચરકુલા નૃત્ય કરતી રહે છે અને હોરી ગીતો ગવાતાં રહે છે.
ડોલોત્સવ : બધાં જ મંદિરોમાં ડોલોત્સવ ઊજવવામાં આવે છે. ઠાકુરજીની સવારી નિજમંદિરેથી નીકળીને બગીચા સુધી જાય છે. મદન મોહનજીની ડોલોયાત્રા મુખ્ય બજારમાંથી નીકળીને ઘાટ પર પહોંચે છે ત્યારે ચારેબાજુથી ભક્તજનોની ભારે ભીડ દર્શનાર્થે ઊભરાય છે. મુખિયાજી ભક્તજનો ઉપર અબીલ-ગુલાલની પોટલી ફેંકીને સમગ્ર વાતાવરણને રંગીલું બનાવે છે. રાજા નાગરીદાસે વ્રજને તથા ફાગને એકબીજા સાથે ગાઢ સંબંધ હોવાનું જણાવ્યું છે ને કહ્યું છે કે, વ્રજ તે શોભા ફાગ કી! વ્રજ કી શોભા ફાગ!
આ દિવસે કેરીનાં ઝૂમખાં, પિચકારીઓ, રંગબેરંગી ફૂલોની હારમાળા તથા જુદી જુદી લેસો દ્વારા શ્રીજીનો ઝૂલો શણગારીને વાજતેગાજતે ફૂલ ડોલોત્સવ ઊજવવામાં આવે છે. ચાર વખત ઠાકોરજીને ભોગ ધરાવાય છે. ફાગ ખેલીને રસિયા ગવાય છે. ત્યારે આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ દૃષ્ટિગોચર થાય છે. કૃષ્ણના અષ્ટસખા કવિઓ હોળીના ઉત્સવનું તેમનાં પદોમાં વિસ્તૃત વર્ણન કરે છે. વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો અને હવેલીઓમાં એક મહિના સુધી હોળીનાં પદો ગવાય છે.
જાવબેઠનની હોળી : વ્રજમાં બીજી પ્રસિદ્ધ હોળી જાવબેઠનની છે. આ જ જગ્યામાં શ્રીકૃષ્ણએ રાધાજીનાં ચરણોમાં અળતો (એક પ્રકારનો લાલ રંગ) લગાવ્યો હતો. અહીં ચૈત્ર સુદ બીજના બપોરથી હોળી રમવાની શરૂઆત થાય છે, જે સૂર્યાસ્ત સુધી ચાલે છે. ગામના તમામ નાના-મોટા લોકો ગામના ચોકમાં એકઠા થાય છે. પછી હાથમાં ઝાંઝ-પખવાજ, ડફ, થાળી, મંજીરા, ઢોલક, શરણાઈ અને ખંજરી વગાડતાં ગામની ગલીઓમાં ફરે છે. તે દરમિયાન ગામની નવવધૂઓ તેઓનું સ્વાગત અબીલ, ગુલાલની સાથે લાઠીઓથી કરે છે અને યુવાનો લાઠીના મારથી બચવા માટે વાંસની ટોપલીઓની ઢાલથી પોતાના માથે પડતા ઘાને આનંદથી ઝીલે છે. આ લાઠીમારનું દર્દ વ્રજભૂમિની રેતીમાં આળોટવાથી દૂર થાય છે. લઠ્ઠમાર હોળી જેવી જ દાઉજીની હોળી હોય છે. હોળીના આ ઉત્સવમાં સખ્યભાવ હોવાથી અરસપરસ ભેદભાવ હોતા નથી. બધા જ વ્રજવાસીઓ ભેગા થઈને ફગુઆ ખેલે છે અને આઠ દિવસ અગાઉથી ઘેરૈયા બનીને નાચે છે. અબીલ, ગુલાલ અને પલાશમાં ભીના રંગની પિચકારી ભરીને એકબીજા ઉપર છાંટે છે. ફાગણ સુદ પૂનમના દિવસે હોળિકાદહન થાય છે.
વ્રજના ફારેન ગામમાં ભક્ત પ્રહ્લાદના મંદિરની સામે હોળી પ્રગટાવાય છે. મંદિરના પૂજારી ભક્ત પ્રહ્લાદ અને ભગવાન વિષ્ણુનું શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન કરીને, હોળીમાંથી સળગતા અંગારાની વચ્ચેથી પસાર થાય છે ત્યારે ગામના લોકો જયજયકાર કરે છે. ફાગણ માસના અંત સુધી ગુલાલકુંડ, ખેલનવન, કોકિલાવન, કૃષ્ણકુંડ, રાધાકુંડ, લાલબાગ, ઉમરી, લલિતાકુંડ, પ્રેમસરોવર, રાયપુર જેવાં વ્રજનાં જુદાં જુદાં ગામોનાં વનોમાં અને કુંડો પર હોળી ખેલ થાય છે.