- 27 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે
- રાજા ભૈયાએ પત્તાં ખોલ્યાં : ભાજપને સાથ આપશે
- ભાજપે આઠમો ઉમેદવાર મેદાનમાં ઉતારતાં રસાકસી
27 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી પહેલાંનો આ મોટો રાજકીય મુકાબલો બની રહેશે. ઉત્તરપ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે ભાજપે 8 અને સમાજવાદી પાર્ટી 3 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આવનારા પરિણામો આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં નિર્ણાયક રાજકીય પ્રભાવ સર્જવાના છે. શાસક ભાજપ અને મુખ્ય વિરોધપક્ષે આમ તો રાજ્યસભામાં પોતાના અનુક્રમે 7 અને 3 ઉમેદવારોને બિનહરીફ ચૂંટીને મોકલવાના હતા. પરંતુ ભાજપે આઠમા ઉમેદવાર તરીકે સંજય શેઠને મેદાનમાં ઉતારતાં ચૂંટણી અનિવાર્ય બની રહી હતી. એક બેઠક માટે રસાકસી સર્જાવાની પૂરી સંભાવના છે. સંજય શેઠ તે સ્થાનિક ઉદ્યોગપતિ અને સપાના પૂર્વ નેતા છે. વર્ષ 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે મંગળવારે મતદાન થશે અને મંગળવારે જ પરિણામ આવી જશે.
આ દરમિયાન રાજા ભૈયાએ કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. થોડા દિવસ પહેલાં સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ પટેલે તેમની મુલાકાત કર્યા પછી રાજા ભૈયાનો પક્ષ રાજ્યસભાની ચૂંટણીમાં કોને સમર્થન આપશે તે મુદ્દે અટકળો થઇ રહી હતી. પરંતુ સોમવારે રાજા ભૈયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે રાજ્યસભા ચૂંટણીમાં તેમનો પક્ષ જનસત્તા પક્ષ (જેડીએલ) એનડીએની સાથે રહેશે. રાષ્ટ્રીય લોકદળના મત એનડીએને મળવાના છે. તે પછી જેડીએલના બે મત પણ એનડીએને મળવાના છે. તે સંજોગોમાં ભાજપના આઠમા ઉમેદવાર માટે એનડીએની સ્થિતિ મજબૂત બની ચૂકી છે.


