- લોકસભા ચૂંટણી પહેલા સરકારનું શ્રી રામ દર્શન
- વિધાનસભાના અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત પદાધિકારીઓ પણ જોડાશે
- મોડીસાંજે અમદાવાદ પરત આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારના મંત્રીઓ શનિવારે એક દિવસ માટે અયોધ્યાની મુલાકાતે જઈ રહ્યા છે. શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પહેલી વખત દર્શનાર્થે અયોધ્યા જઈ રહેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યદંડક બાળકૃષ્ણ શુક્લ સહિત પદાધિકારીઓ પણ જોડાશે.
વિધાનસભના બજેટ સત્રના આરંભે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંગે સરકારી સંકલ્પ રજૂ કર્યો હતો. તે વખતે જ મંત્રીમંડળ સહિત સરકાર અયોધ્યા દર્શને જશે એમ જાહેર કરાયુ હતુ. અને હવે લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા શનિવારે રામલલ્લાના દર્શનાર્થે સમગ્ર સરકાર અયોધ્યા જશે. મુખ્યમંત્રી અને મંત્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવારે સવારે 11 કલાકે સૌ અયોધ્યા પહોંચશે. જ્યારે 11-30થી 12 કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના ભક્તિપૂર્વક દર્શન- અર્ચન કરશે. બાદમાં સૌ સરયુ નદી સમીપે ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે. મોડીસાંજે અમદાવાદ પરત આવશે. ઉલ્લેખનિય છે કે, આગામી એક- બે સપ્તાહમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ રહી હોવાથી આચારસંહિતા અમલમાં આવે તે પહેલા જ મુખ્યમંત્રી સહિત સૌ મંત્રીઓ માટે શનિવારે અયોધ્યાની મુલાકાત નક્કી થતા તમામ સરકાર કાર્યક્રમો પડતા મુકાયા છે.


