- ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધની સ્થિતિ દયનિય
- યુદ્ધ વચ્ચે નાગરિકો વીજળી,પાણી, રાશનને લઇ હાલાકી
- ગાઝાની આશરે 600000 લોકોની વસતી પાણીથી વંચિત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ યથાવત છે. યુદ્ધ વચ્ચે લોકો વીજળી,પાણી, રાશન સહિત અનેક ગંભીર સંકટ વચ્ચે ઘેરાયા છે. ગાઝામાં મૃત્યુઆંક 1200ને પાર પહોંચી ગયો છે. આ સાથે 338,934 લોકો બેઘર થયા છે.
મળતી માહિતી મુજબ ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધએ વિનાશ વેતર્યો છે. અનેક લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો બેઘર છે. આ સાથે એવા પણ લોકો છે જે યુદ્ધની સ્થિતિમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા છે. આ યુદ્ધની સ્થિતિ અતિ દયનીય થઇ ગઇ છે. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને મોટાપાયે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા આ દરમિયાન હવાઈ, દરિયાઈ અને જમીનથી સતત હુમલા કરાઈ રહ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝાનું શાસન કરતાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવતાં 1200થી વધુ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમાં બેઘર થઈ ચૂકેલાં ગાઝાવાસીઓની સંખ્યા 338,934 પર પહોંચી ગઈ છે. તેમાં ફક્ત 24 કલાકમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે.
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા હતા અન્ય 281 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નવા આંકડાથી મૃત્યુઆંક લગભગ 1200 થઇ ગયો છે. જોકે ઘાયલોની સંખ્યા 5,339 થઈ ગઇ છે. તેમાં 1,217 બાળકો અને 744 મહિલાઓ સામેલ છે.
હોસ્પિટલમાં બેડ ખૂટ્યાં, વીજળી-પાણી-ખોરાકની અછત
ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર યુસુફ અલ રિશેએ યુદ્ધની સ્થિતિને જોતા જણાવ્યું હતું કે, હમાસના નેતૃત્વ હેઠળના ક્ષેત્રમાં તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે અને દવાઓ ખતમ થવાની અણીએ પહોંચી ગઈ છે. અજાગ્રસ્ત અને બીમાર લોકો માટે ઈમરજન્સી સેવાઓ યથાવત રાખવા માટે જનરેટરનો ઉપયોગ કરવા મજબૂર છે કેમ કે ગાઝા પટ્ટીના વીજળી પ્લાન્ટમાં ઈંધણ પતી ગયું છે અને ઈઝરાયલે પણ સપ્લાય ઠપ કરી દીધો છે. ગાઝાની આશરે 600000 લોકોની વસતી પાણીથી વંચિત થઇ ગઈ છે.