- નાસાએ ટામેટાંના ખોવાયેલા ઝૂમખાનું કોકડું ઉકેલ્યું
- વિજ્ઞાનીઓએ કહ્યું કે ટામેટાં કોઇ ખાઇ નહોતું ગયું, ખોવાયાં હતાં અને હવે મળી ગયાં છે
- ટામેટાં મુદ્દે નાસાનો લાઈવ ટેલિકાસ્ટમાં ખુલાસો
અવકાશમાં ઉગાડવામાં આવેલા ટામેટાં ક્યાં ગાયબ થઇ ગયા? નાસાએ 8 મહિનાની મથામણ બાદ આ કોકડું ઉકેલી લીધું છે. કેટલાક મહિના અગાઉ અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયોએ અવકાશમાં ટામેટાં ઉગાડયા હતા. ટામેટાંના ઝૂમખા કાપ્યા બાદ તેમાંથી એક ઝૂમખું ખોવાઇ ગયું હતું. ત્યારે આ બાબતે મજાક પણ ઊડી હતી કે એલિયન્સ ટામેટાં ખાઇ ગયા? હવે આટલા મહિના બાદ નાસાએ એ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે કે આખરે ટામેટાંનું એ ઝૂમખું ક્યાં ગયું? તાજેતરમાં નાસાના વિજ્ઞાનીઓએ એક જીવંત પ્રસારણ દરમિયાન રહસ્ય ખોલ્યું કે એ ટામેટાં કોઇ ખાઇ નહોતું ગયું. ટામેટાંનું એ ઝૂમખું ખોવાઇ ગયું હતું અને હવે મળી ગયું છે. જોકે નાસાના વિજ્ઞાનીઓ એ ટામેટાં હાલ કેવી સ્થિતિમાં છે એ જણાવવામાં નિષ્ફળ રહ્યા છે.
નાસાએ જીવંત પ્રસારણ દરમિયાન એક વીડિયોમાં દર્શાવ્યું કે કેવી રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરના અવકાશયાત્રીઓ એમ પુછાતા હસવા લાગે છે કે શું એવું કંઇ છે કે જે તેમનાથી ખોવાઇ ગયું છે અને તેઓ હજુ પણ શોધી રહ્યા છે? એક અવકાશયાત્રી જવાબ આપતા કહે છે કે જેને કોઇ લાંબા સમયથી શોધી રહ્યું હતું તે અમને કદાચ મળી ગયું છે. અમારા સારા મિત્ર ફ્રેન્ક રુબિયો કે જેઓ ઘરે જઇ રહ્યા હતા તેમને ટામેટાંનું ઝૂમખું ખોવાઇ જવા બાબતે દોષિત ઠેરવવામાં આવ્યા હતા પણ હવે અમે તેમને આ દોષથી મુક્ત કરી દીધા છે. અમને ખોવાયેલા ટામેટાં મળી ગયા છે.
ટામેટાં હાલ કેવી સ્થિતિમાં છે?
રુબિયો 371 દિવસ સુધી સ્પેસ સ્ટેશન પર હતા અને તેમણે કોઇ અમેરિકી અવકાશયાત્રી સૌથી લાંબા સમય સુધી માઇક્રોગ્રેવિટીમાં રહ્યાનો રેકોર્ડ સર્જ્યો છે. ખોવાયેલા ટામેટાં અંગે વાત કરતા તેમણે કહ્યું કે ઘણા લોકો એવું કહેતા હતા કે હું ટામેટાં ખાઇ ગયો છું કે એલિયન્સ ખાઇ ગયા છે પણ એવું જરાય નહોતું. હવે એ ટામેટાં મળી ગયા છે. જોકે ટામેટાંની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે તે એ હદે સુકાઇ ગયા છે કે તે ખરેખર ટામેટાં હતા કે નહીં એ કહેવું મુશ્કેલ છે.


