જાગનાથ મંદિરેથી બહુમાળી ભવન ચોક સુધી ખુલ્લી જીપ અને બાઇકમાં હજારો કાર્યકર્તા સાથે રોડ-શો
બહુમાળી ભવન ચોકથી પગપાળા રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી વિજય મુર્હૂત ૧૨:3૯ વાગ્યે ભરશે ફોર્મ
‘રાજકોટ છે મક્કમ, રૂપાલા છે અડીખમ’ના અડગ જુસ્સા સાથે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા આવતીકાલે બપોરે ૧૨:3૯ વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. એ પૂર્વે રેસકોર્સ રિંગરોડ પર બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલની પ્રતિમા પાસે જાહેર સભાનું આયોજન કરાયુ છે. ત્યાથી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ ભરશે. આવતીકાલના કાર્યક્રમ માટે તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. વિશાળ સ્ટેજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટના પોસ્ટર, જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક સુધી કેસરિયો માહોલ સર્જાશે.
એકબાજુ ક્ષત્રિયોનો વિવાદ હજુ સમ્યો નથી. ગમે તેવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ પરસોતમ રૂપાલાનો જોમ અને જુસ્સો સમ્યો નથી. બીજીબાજુ સમગ્ર રાજકોટ શહેર ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ પણ બમણાજોરે રૂપાલાની સાથે પ્રચારમાં લાગી ગયા છે. સામા પ્રવાહે પણ રૂપાલા અને શહેર ભાજપ ૫ લાખની લીડ સાથે જ્વલંત વિજય મેળવવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે. આવતીકાલે આ જોમ અને જુસ્સો રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે દેખાવાનો છે.
જાગનાથ મંદિરેથી વિશાળ રોડ-શો યોજાવાનો છે. ખુલ્લી જીપ અને બાઇક પર સવાર કાર્યકર્તાઓ સાથે રૂપાલા બહુમાળી ભવન ચોક પહોંચશે. ત્યા સભા યોજી બાદમાં પગપાળા રેલી સ્વરૂપે આવે કલેકટર કચેરીએ પહોંચીને ૧૨:3૯ વાગ્યે વિજય મુર્હૂતમાં ફોર્મ ભરશે.
રૂપાલા સાથે આ નેતાઓ ફોર્મ ભરવા સાથે રહેશે
- મંત્રી કુંવરજી બાવળિયા
- મંત્રી ભાનુબેન બાબરિયા
- પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા
- પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા
- સાંસદ મોહનભાઇ કુંડારિયા
- સાંસદ રામભાઇ મોકરિયા
- સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા


