માત્ર ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને મળશે સહાય
ધો.૯ થી ૧૨ની વિદ્યાર્થીનીઓને વર્ષે રૂ.૧૦ હજાર મળશે : ધો.૧૧ અને ૧૨ની વિદ્યાર્થીઓને રૂ.૧૫ હજારની સહાય
ધો.૧૨ પૂર્ણ કર્યે કુલ ૫૦ હજારના સહાયની બજેટમાં જોગવાઇ
ગુજરાત સરકારના બજેટમાં મહિલાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ ઉપર સરકાર ખૂબ વરસી છે. લોકસભાની ચૂંટણીના આ વર્ષમાં યુવા વિદ્યાર્થીનીઓને સરકારે શિક્ષણ સહાય જાહેર કરી છે. જો કે વિદ્યાર્થીનીઓને સમાન ગણવામાં આવ્યા નથી. તેની બજેટ સમીક્ષકોએ ખાસ નોંધ લીધી છે. ધો.૯ થી ૧૨ સુધી અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓને નમો લક્ષ્મી યોજનાની નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ભેટ આપી છે. જેમાં દર વર્ષે રૂ.૧૦ થી ૧૫ હજાર સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે એવુ પણ જણાવાયું છે કે ધો.૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને કુલ રૂ.૫૦ હજાર સુધીની સહાય મળશે.
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજય સરકારના બજેટમાં જણાવ્યું હતું કે વિકસિત ગુજરાત ૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક ₹૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક ₹૧૫ હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે. નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી ૧૨માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં, આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં ₹૧૨૫૦ કરોડની જોગવાઈ સૂચવું છું.


