ટોટનહામ હોટ્સપુરે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલની મેચમં માન્ચેસ્ટર યૂનાઇટેડને 1-0થી હરાવીને પોઇન્ટ ટેબલમાં 12મું સ્થાન હાંસલ કર્યું હતું.
રમતની 13મી મિનિટે જેમ્સ મેડિસને મેચનો એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો અને તેની ટીમે ત્રણ મહત્ત્વપૂર્ણ પોઇન્ટ હાંસલ કર્યા હતા. ટોટનહામે સિઝનમાં અત્યાર સુધી 25 મેચમાં 30 પોઇન્ટ હાંસલ કર્યા છે. યૂનાઇટેડના 29 પોઇન્ટ છે જેના કારણે તે રેલિગેશન ઝોનના આરે આવી ગઇ છે.
લીગની અન્ય મેચમાં લિવરપુલે વુલ્વસને 2-1થી પરાજય આપ્યો હતો. લિવરપુલ માટે લુઇસ ડિયાઝે 15મી તથા મોહમ્મદ સાલાહે 37મી મિનિટે મળેલા પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. માથિયુસ ચુન્હાએ વુલ્વસ માટે 67મી મિનિટે ગોલ કરીને પરાજયનું અંતર ઓછું કર્યું હતું. ક્રિસ્ટલ પેલેસનો એવરટન સામે 2-1થી પરાજય થયો હતો. વિજેતા ટીમ માટે બેટોએ 42મી તથા કાર્લોસ અલ્કારાઝે 80મી મિનિટે ગોલ કર્યા હતા. ક્રિસ્ટલ પેલેસ માટે જિન ફિલિપ્સ માતેતાએ 47મી મિનિટે ટીમ માટે એક માત્ર ગોલ નોંધાવ્યો હતો. બોર્નમાઉથે સાઉથમ્પ્ટન સામે 3-1થી તથા બ્રેન્ટફોર્ડે વેસ્ટ હામ સામે 1-0થી વિજય મેળવ્યો હતો. એસ્ટન વિલા અને ઇપ્સવિચ ટાઉન વચ્ચેની મેચ 1-1થી ડ્રો રહી હતી.


