મુલાકાતીઓએ કહ્યું એકવાર ગીરની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ
જૂનાગઢ નજીક આવેલો ગાંડી ગીરનો વિસ્તાર, જે આજે ડાલામથ્થા સાવજોની પવિત્ર જન્મભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં પક્ષીઓના કલરવ અને વન્ય પશુઓના પગરવ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાસણ ગીરના જંગલમાં સાવજોની ડણકથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આ દિવ્ય દ્રશ્યોનો લહાવો લેવા માટે વર્ષના અંતિમ દિવસોમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
વર્ષ 2025ના અંતિમ મહિનામાં રજાઓનો આનંદ માણવા પ્રવાસીઓએ સાસણ ગીરને પ્રથમ પસંદગી આપી છે. હાલમાં ગીર જંગલ સફારી અને દેવળિયા સફારી પાર્કના તમામ ઓનલાઇન બુકિંગ 10 જાન્યુઆરી, 2026 સુધી ફૂલ થઈ ગયા છે. સાસણ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો, રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં પણ અત્યારે ‘હાઉસફુલ’ની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રવાસીઓ પોતાના પરિવાર, મિત્રો અને સ્નેહીજનો સાથે જિપ્સીમાં બેસીને ગીર નેચર સફારી અને દેવળિયા પાર્કની મુલાકાત લઈ રહ્યા છે.
ગીરની પ્રકૃતિ જેટલી જ અદભૂત અહીંની સંસ્કૃતિ છે. સિંહ સદન ખાતેથી જિપ્સી ધારકો પ્રવાસીઓને શિસ્તબદ્ધ રીતે જંગલમાં લઈ જાય છે. સૌરાષ્ટ્રની માણસાઈ અને મહેમાનગતિના જીવંત ઉદાહરણો પ્રવાસીઓને અહીં જોવા મળે છે. સ્થાનિક લોકોનો મીઠો આવકારો અને મદદરૂપ થવાની ભાવના પ્રવાસીઓના મન જીતી લે છે.
પુણેથી પરિવાર સાથે આવેલા ચેતના સાવંતે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, ‘અત્યાર સુધી સાસણગીર વિશે માત્ર સાંભળ્યું હતું, પરંતુ આજે પહેલીવાર ઓપન જિપ્સીમાં સિંહ અને અન્ય વન્યજીવોને નજીકથી જોવાનો લહાવો મળ્યો. આ પ્રકૃતિ ખરેખર આહલાદક છે. દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો ગીર આવવું જ જોઈએ.’ નોંધનીય છે કે, 2025ની વસ્તી ગણતરી બાદ ગીરની આસપાસના ત્રણ જિલ્લાઓમાં સિંહોની સંખ્યા 900ને પાર પહોંચી ગઈ છે, જે વન વિભાગની મોટી સફળતા છે.
પ્રવાસી મુંબઈથી આવેલા ભગવતસિંહ દેવરાએ ગીરના મેનેજમેન્ટના પેટભરીને વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે, ‘અહીં ટ્રાફિક અને બુકિંગની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ છે. મેં સાઉથ આફ્રિકામાં પણ સિંહ જોયા છે, પરંતુ ત્યાં તે ઘણા દૂરથી દેખાય છે. સાસણ ગીરમાં સાવજો ખૂબ જ નજીકથી અને મુક્ત અવસ્થામાં જોવા મળે છે. સિંહોને પાંજરામાં જોવા કરતા તેમને પોતાની મસ્તીમાં વિહરતા જોવા એ જિંદગીનો સૌથી મોટો લાહવો છે. જેઓ વિદેશમાં સિંહ જોવા જાય છે તેમને હું કહીશ કે આપણા ભારતની આ ધરતી એકવાર ચોક્કસ જુઓ.
પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ખૂબ સરળ
સફારી દરમિયાન પ્રવાસીઓને માત્ર સિંહ જ નહીં, પરંતુ હરણ, દીપડા, ચિત્તલ અને વિવિધ પ્રકારના પક્ષીઓ તેમજ નાચતા મોર જોવા મળી રહ્યા છે. વન વિભાગ દ્વારા ઓનલાઇન બુકિંગની જે સુવિધા કરવામાં આવી છે તેનાથી પ્રવાસીઓને ખૂબ જ સરળતા રહે છે. વહેલી સવારની ઠંડીમાં જંગલની સફારી કરવી એ દરેક પ્રવાસી માટે એક યાદગાર સંભારણું બની રહે છે.


