આર્મિના જવાનોનો ટ્રક ફસાયો : ટ્રાફિક પોલીસ અદ્રશ્ય ખુદ જવાનોએ ટ્રાફિક વ્યવસ્થા કરી સ્થાનિક પોલીસનું નાક કાપ્યુ
વી.આઇ.પી.ઓની વ્યવસ્થામાં વ્યસ્ત અને જુદા જુદા સ્થળે બેરીકેડ મૂકી વણજોઇતો ટ્રાફિક જામ કરે એવા તરંગ તુકકા કરતી ટ્રાફિક પોલીસની નિષ્ફળતા આજે ફરી એક વખત સામે આવી છે. શહેરના સાંઢિયા પુલ ઉપર સવારે સાડા નવ દસ વાગ્યાના અરસામાં લોકો પોતાની રોજી-રોટી કામ કાજ માટે જઇ રહયા હતાં ત્યારે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. જે લગભગ એકાદ કલાક સુધી રાબેતા મુજબ થઇ શકયો નહોતો. એટલું જ નહિ આ ટ્રાફિક જામમાં આર્મીનું વાહન પણ ફસાઇ જતાં આર્મીના કેટલાક જવાનોએ પરિસ્થિતિ પામી જઇને ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં ટ્રક કાઢવા માટે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. સાંઢિયા પુલની બન્ને બાજુ ટ્રાફિકની ભારે અરાજકતા ફેલાઇ હતી. સાંઢિયા પુલ બ્લોક થતાં લોકો ભોમેશ્વર રોડ તરફ બન્ને બાજુ વળ્યા હતાં. એક બાજુ વાહનોની લાંબી કતાર હતી. બીજી બાજુ રસ્તાની સાઇડમાં ચાની લારીવાળા લોકોની મદદ માટે રસ્તા ઉપર તેમના ટેબલ અને ટ્રાફિકને અડચણ થાય તેમ વાહનો ટસના મસ થતાં નહોતાં. વાહનચાલકોની વિનંતીઓને ચા’ની લારીવાળાઓએ સાંભળવાને બદલે વાહનચાલકો સાથે દાદાગીરી કરતાં હતાં.
ટ્રાફિક પોલીસે આવ્યા બાદ રસ્તામાં ટેબલ પાથરી ધંધો કરતાં ચા ની લારીવાળાનું દબાણ હટાવવાને બદલે વાહનચાલકોને રોકી લોકોનો વધુ સમય બગાડયો હતો.
ટ્રાફિક પોલીસની ગજબની નીતિ ! રસ્તા ઉપર વાહન પડ્યુ હોય
તો ટોઇંગ કરવાનું : ચા ની લારીના ટેબલ પડયા હોય તો નહિ !
આજે સવારે સાંઢિયા પુલ ઉપર ટ્રાફિકની ભયંકર અરાજકતા સર્જાઇ હતી. અંદાજે અડધા કલાકથી વધુ સમય માટે સાંઢિયા પુલ બંધ થઇ જતાં જામનગર રોડની બન્ને બાજુએ વાહનો ફસાઇ ગયા હતાં. આ સમયે પોલીસ હિન્દી ફિલ્મમાં આવે છે એમ છેલ્લે છેલ્લે આવી હતી. પોલીસે પેટ્રોલપંપથી આગળ ભોમેશ્વર તરફ જવાને રસ્તે સાંઢિયા પુલની નીચે ચા’ની લારીવાળાએ રસ્તા ઉપર પાથરેલા ટેબલ હટાવવાને બદલે લોકોને રોકયા હતાં. શહેરમાં કયાંક લોકોએ થોડીવાર માટે દુકાનમાં જવા માટે સ્કુટર પાર્ક કર્યુ હોય તો તેને ટોઇંગ કરી ટ્રાફિક પોલીસ લઇ જાય છે. એ કાયદા માટે જરૂરી છે. પરંતુ સાથે સાથે ટ્રાફિક જામ વચ્ચે રસ્તો રોકીને બેઠેલા ચા વાળા દાદાગીરીથી બેસી શકે તેમાં ટ્રાફિક પોલીસની મહેરબાની સિવાય શકય બને નહિ.ટ્રાફિકને રોકતાં રોકાણો પોલીસને કે મનપા તંત્રને દેખાય નહી એ પણ આશ્ચર્યની વાત છે.
આ શહેરમાં તમે જીવન મરણ વચ્ચે એમ્બયુલન્સમાં નિકળો તો પણ હોસ્પિટલે સમયસર પહોંચશો તેની કોઇ ગેરન્ટી નથી
સાંઢિયા પુલ ઉપર અને શેહરની અનેક ચોકડઓએ વારંવાર ટ્રાફિક જામમાં ૧૦૮ એમ્યુલન્સ ફસાય છે
રાજકોટ શહેરમાં ટ્રાફિકની અરાજકતાં હવે જીવલેણ સાબિત થઇ રહી છે. ટ્રાફિકની અરાજકતાને કારણે હવે ટ્રાફિક જામમાં ફસાયેલી ૧૦૮ એમ્બયુલન્સમાં તમે તમારા ગંભીર હાતલમાં હોય એવા સ્વજનને નિકળ્યા હો તો પણ સમયસર હોસ્પિટલે પહોંચી શકશો તેની કોઇ ગેરન્ટી નથી. કારણ કે, શહેરમા જયાં ત્યાં ટ્રાફિક જામ થાય છે ત્યાં ગંભરી દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સ ફસાઇ જવાની ઘટનાઓ પણ વધી છે. આજે સાંઢિયા પુલ ખાતે બનેલી ઘટનામાં પણ ટ્રાફિક પોલીસ હાજર નહોતી અને ૧૦૮ એમ્બયુલન્સ ફસાઇ ગઇ હતી