- આણંદમાં ટ્રાફ્કિ પોઇન્ટ પર માત્ર કાગળ ઉપર જ કામગીરી
- પોલીસકર્મી મૂકવામાં આવે તેવી માંગ નાગરિકો દ્વારા કરાઈ છે
- બાઇકચાલકોને જ મેમો આપી સંતોષ માની રહ્યા છે
આણંદ શહેરમાં જાહેરનામામાં માત્ર સરકારી ચોપડા પૂરતા રહેતા એક બેકી સહિત વન-વેનું પાલન થતું નહીં હોવાથી શહેરમાં ટ્રાફ્કિ સમસ્યા માથાના દુઃખાવારૂપ બની ગઇ છે. શહેરના જૂના અને નવા બસસ્ટેન્ડ સામેના માર્ગ ઉપર રિક્ષાચાલકો દ્વારા આડેધડ રિક્ષા પાર્ક કરાતા અત્રેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ સ્થળે કાયમી ટ્રાફ્કિ પોલીસકર્મી મૂકવામાં આવે તેવી માંગ જાગૃતો નાગરિકો દ્વારા કરાઈ છે.
આણંદ શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં રીક્ષા આડેધડ ઉભી રહેતી હોય છે તેમજ લારીઓવાળા રસ્તામાં ઉભા રહેતા હોવાથી માર્ગ સાંકડો બની જતાં ટ્રાફ્કિની સમસ્યા વધી ગઇ છે. જેને લઇને રસ્ત પરથી પસાર થતાં રાહદારી અને વાહનચાલકોને અવારનવાર બોલચાલી થવાના બનાવો બંને છે તેમજ રીક્ષાચાલકો આડેધડ કટ મારતાં હોવાથી વાહનચાલક ઠપકો આપે તેની સાથે રીક્ષાવાળા ભેગા થઇને ઝઘડો કરતાં હોય છે. આણંદ શહેરના નવા બસસ્ટેન્ડ સામેના માર્ગ ઉપર રીક્ષાચાલકોનો ઝમેલો જોવા મળે છે. બસ મથક હોઈ પેસેન્જરો મેળવવા માટે રીક્ષાચાલકો આ માર્ગ ઉપર ઉભા રહેતા હોય છે. જોકે કેટલીક વખત રીક્ષાચાલકો રીક્ષા અત્રેથી પસાર થતા વાહનચાલકોને અડચણરૂપ થાય તેવી રીતે ઉભી રાખતા હોય છે.ટ્રાફિક પોલીસ માત્ર બાઇકચાલકોને જ મેમો આપી સંતોષ માની રહ્યા છે.


