- કાર ડિવાઇડર સાથે અથડાતાં સર્જાયો ગંભીર અકસ્માત
- દિલ્હીથી પુષ્કર જઈ રહ્યો હતો પીડિત પરિવાર
- ડ્રાયવરને ઝોકું આવી જતાં કાર પરનો કાબૂ ગુમાવ્યો
સોમવારે સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક રોડ એક્સિડન્ટમાં એક વૃદ્ધ મહિલા સહિત ત્રણ લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે બે લોકોની હાલત નાજુક છે. જાણવા મળી રહ્યું છે કે દિલ્હીના વસંત વિહારનો પરિવાર દિલ્હીથી પુષ્કર જઈ રહ્યો હતો. આ દરમિયાન લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર ડ્રાઈવરને ઊંઘ આવી જતાં વાહન પરનું સંતુલન ગુમાવ્યું અને કાર ડિવાઈડર સાથે અથડાઈને નીચે પડી ગઈ.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાઇ કરુણાંતિકા
આ ઘટના અંગે SHO શ્રીરામ મીણાએ જણાવ્યું છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પુલ નંબર 107 પર ચંદ્રા કા બાસ પાસે એક કાર નીચે પડી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.
માર્ગ અકસ્માતમાં વૃદ્ધ સહિત ત્રણના મોત
હોસ્પિટલના તબીબોએ તપાસ કરતાં નિર્મલા પાઠક (70 વર્ષ), અરુણ પાઠક (45 વર્ષ) અને મુસ્કાન પાઠક (20 વર્ષ)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ગૌતમ પાઠક (16) અને હર્ષ પાઠક (20)ની હાલત નાજુક છે. બાદમાં તેમને અલવરની રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં હાલ તેમની સારવાર ચાલુ છે.
દિલ્હીથી પુષ્કર જઈ રહ્યો હતો પરિવાર
મળતી માહિતી મુજબ, આ પરિવાર સવારે 7 વાગ્યે દિલ્હીથી પુષ્કર જવા રવાના થયો હતો. અરુણ પાઠક નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો. રસ્તામાં તેને અચાનક ઝોકું આવી જતાં તેણે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. કાર નિયંત્રણ બહાર જતાં તે દિવાલ તોડીને નીચે પટકાઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અકસ્માત એટલો દર્દનાક હતો કે લોખંડના રોડ દ્વારા વાહનના કાચ તોડીને ઘાયલ અને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી તમામ ઘાયલોને એક્સપ્રેસ વે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પરિવારના સભ્યોમાં રોકકળ મચી ગઈ હતી.