- દ્વારકામાં સર્જરી, ઓર્થોપેડિક, બાળરોગ વિભાગોને વર્ષ 2014થી તાળાં
- અમરેલીમાં 1995થી ડોક્ટર નથી, વીરમગામમાં ઓર્થો. વિભાગ બંધ હાલતમાં,
- મેડિકલ હબની મોટી વાતો પણ ડોક્ટરો ન હોવાથી ગરીબોને સારવારમાં રઝળપાટ
ગુજરાતની નવ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ જ માંદગીના બિછાને હોય તેવી પરિસ્થિતિ છે, ડોક્ટરો ના હોવાથી સર્જરી વિભાગ તો ક્યાંક ઓર્થોપેડિક વિભાગ, ઈએનટી કે જનરલ મેડિસિન સહિતના વિભાગને બંધ કરી દેવાની નોબત આવી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવારથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં જ વીરમગામની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં સારવાર આપવાનું બંધ કરી દેવાયું છે, 22મી ઓગસ્ટ 2022થી તજજ્ઞો ના હોવાથી બંધ છે.
દેવભૂમિ દ્વારકાની સરકારી હોસ્પિટલની હાલત પણ દયનીય છેર્તા. 29-10-2014થી કેટલાક વિભાગે બંધ કરવા પડયા હતા, દેવભૂમિ દ્વારકામાં સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, ફિઝિશિયન, આઈસીયુ, બાળ રોગ, ઓપ્થેલ્મિક વિભાગ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી વિભાગ બંધ છે. છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં એક બે વર્ષથી જનરલ સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગને જાણે તાળાં મારી દેવાયા છે. ભરૂચની સરકારી હોસ્પિટલ-જંબુસરમાં પણ ઓર્થો, ફિઝિશિયન અને આંખ રોગનો વિભાગ બંધ કરી દેવો પડયો છે.
અમરેલીમાં લાઠીની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ અને બાળ રોગ વિભાગ બંધ છે, એક વિભાગ તો એપ્રિલ 1995થી બંધ હાલતમાં છે. અમરેલીની સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2019થી સર્જિકલ ઓટી વિભાગ, જનરલ મેડિસિન અને આઈસીયુ વિભાગમાં સારવાર આપવાનું બંધ કરી દેવાયું છે. ડાંગ જિલ્લામાં આહવા જનરલ હોસ્પિટલમાં વર્ષ 2020થી 2022માં ઈએનટી, જનરલ મેડિસિન અને આઈસીયુ વિભાગમાં સારવાર આપવાનું બંધ કરાયું છે.
નવસારીમાં બિલિમોરાની હોસ્પિટલમાં એપ્રિલ 2022થી સર્જરી વિભાગ બંધ છે, વલસાડ જિલ્લામાં વાપીની સરકારી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી,ફિઝિશિયન, બાળ રોગ, ઓર્થો. અને ઈએનટી વિભાગ ડોક્ટરોની ખાલી જગાના કારણે બંધ છે.
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળશે એટલે જે તે બંધ વિભાગોમાં સારવાર આપવાનું શરૂ કરાશે, જોકે સરકાર પાસે આ સંદર્ભે ચોક્કસ સમય ગાળો ઉપલબ્ધ નથી, વર્ષ 2014માં જે વિભાગો બંધ કરાયા છે ત્યાં પણ સરકારને ડોક્ટરો મળતા ન હોવાની પરિસ્થિતિ છે.


