- હોટલ,મકાન, રેસ્ટોરન્ટ અને શો રૂમ માટે ડિમાન્ડ વધી
- જાહેરાત થયા બાદ ઇન્કવાયરીની સંખ્યામાં થયો વધારો
- આગામી દિવસોમાં હજુ વધારો થવાની શક્યતા
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લિકર પરમીટ આપવામાં આવી છે. જેના માટે સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે. જેની અસર વિવિધ સ્થાનો પર જોવા મળી રહી છે. આ સાથે જ ગિફ્ટ સિટીના ભાવોમાં ઓવરઓલ 10 ટકા સુધીનો વધારો સામે આવ્યા છે. ગિફ્ટ સિટીમાં લિકરની છૂટના નિર્ણયથી એક જ ધડાકે રિયાલિટી સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, સરકારના લિકર પરમીશનના નિર્ણયથી અન્ય રાજ્યોમાંથી અનેક આઇટી કંપની પણ અહીં બિઝનેસ કરવા માટે આવી શકે છે. જેની સાથે જ કમર્શિયલ, રેસિડેન્શિલ સ્પેસ, મોલ, ફૂડ, ટ્રાન્સપોર્ટેશન સહિત અનેક ક્ષેત્રોમાં પરિવર્તન જોવા મળી શકે છે. તેમજ એક જ રાતમાં જમીનના ભાવમાં સ્ક્વેરફિટદીઠ 1500-2000નો વધારો થઈ ગયો છે.
તેમજ ગિફ્ટ સિટીમાં છેલ્લા થોડાં જ દિવસોમાં ઈન્કવાયરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ અંગે સ્થાનિક બિલ્ડરો દ્વારા કહેવામાં આવી રહ્યું છેકે, લિકર પરમીટની જાહેરાત પહેલાં રોજ 5-7 ઇન્કવાયરી આવતી હતી, પરંતુ જાહેરાત થયા બાદ 15-20 ઇન્કવાયરી આવી રહી છે. લિકર પોલિસીની જાહેરાત સાથે જ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમજ ગિફ્ટ સિટી સંપૂર્ણ રીતે ગાંધીનગરથી ક્નેક્ટ છે જેનો પણ ફાયદો મળશે.
યુઝર્સ કરતાં રોકાણકારો વધ્યા
જ્યારે કેટલાંક ડેવલપર્સ જણાવી રહ્યા છે કે, હાલમાં લોકોનો ઇન્વેસ્ટ માટે ગિફ્ટ સિટીમાં ધસારો જોવા મળી રહ્યો છે. અગાઉ 20 થી 30 ટકા યુઝર છે અને 70 ટકા ઇન્વેસ્ટર છે. રોકાણકારોને હવે આઇડિયા આવી ગયો છે કે અહીં ભાડામાં પણ વધારો જોવા મળશે. હવેથી 10થી 12 ટકાનો ભાવવધારો થઈ ગયો છે. 5000, 6000,7000 પર સ્કવેરફૂટના ભાવે વેચી રહ્યા છે જેમાં પણ 15 થી 20 ટકા સુધી વધારો જોવા મળી શકે છે.


