- જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આજે તુવેરની આવક માટે રવિવારે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું
- લુઝ તુવેરની ઢગલા બંધ આવક
- ખેડૂતોમાં જોવા મળી ખુશી
જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં તુવેરની વિપુલ માત્રામાં આવક થઇ રહી છે.જેને લઇને રવિવારે પણ તુવેરની આવક ચાલુ રાખવાનો નિર્યણ લેવાયો તો. હાલમાં યાર્ડમાં તુવેરની આવકમાં ભારે વધારો થઇ રહ્યો છે. ત્યારે આવક વધતા રવિવારે પણ લુઝ તુવેરની આવક ચાલુ રખાઈ હતી. આજે રવિવારે 11 ફેબ્રુઆરીના સવારના 9 વાગ્યાથી લઇને બપોરના 3 વાગ્યા સુધી ખેડૂતો તુવેર યાર્ડમાં તુવેર વેચવા માટે લાવ્યા હતા.લુઝ તુવેરની આવક પહેલા હરાજીના શેડમાં ઉતારાઈ હતી.
ખેડૂતોને મળ્યા સારા ભાવ
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મોટા પ્રમાણમાં તુવેરની આવક થઈ હતી. જે માટે ખેડૂતો મોડી રાતથી જ પોતાનો માલ લઈને આવી પહોંચ્યા હતા. અને દોલતપરા સુધીની લાંબી લાઈનો માર્કેટિંગ યાર્ડ પાસે જોવા મળી હતી.તુવેર વેચવા આવેલ ખેડૂતો માટે ટોકનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.ટોકન મુજબ વાહનને માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તુવેર નો સારો ભાવ મળતો હોવાને લઈ ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર વેચવાનું પસંદ કરતા હોય છે, ત્યારે હાલ અત્યાર સુધીમાં 20,000થી વધુ કટ્ટાની આવક થઈ છે,તુવેરના પોષણક્ષમ ભાવ રૂ.1800 થી 2000 સુધી ખેડૂતોને મળ્યા જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.
ગત વર્ષ કરતા તુવેરના ઊંચા ભાવ
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તુવેરના પ્રતિ 20 કિલો બજાર ભાવમાં 400 થી લઈને 500 રૂપિયા વધારો નોંધાયો છે. ગત વર્ષે તુવેરનો ઉંચો ભાવ 1400 રુપિયા બોલાયો હતો. જે આ વર્ષે વધીને 2000 રૂપિયા સુધી પહોંચ્યો છે. જેને કારણે પણ ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરનું વેચાણ કરવા માટે આવી પહોચ્યા હતા.
ખેડૂતો વહેલી સવારથી પહોચ્યા
વાહનોની લાઇન માત્ર આવક ગેઇટથી સક્કરબાગ રોડ બાજુ ત્યાર બાદ દોલતપરા ગેઇટ તરફ કરાઈ હતી.ઉપરાંત સિક્યુરીટી દ્વારા જે વ્યવસ્થાની સૂચના થાય તેને ખેડૂતોએ અનુસરી હતી,જેથી ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાઇ.જણસી લાવનાર ખેડૂતોએ કમિશન એજન્ટનો સંપર્ક સાધી, માહિતી મેળવી બાદમાં જણસી લાવ્યા હતા.


