- ભારતમાં હવાની ગુણવત્તા અંગે સતત રિપોટ્ર્સ આવતા રહે છે
- અભ્યાસના તારણો ‘એલ્સેવિયર જર્નલ’માં પ્રકાશિત થયા છે
- દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઇ મહાનગર પણ તેમાંથી બાકાત નથી
ભારતમાં હવાની ગુણવત્તા અંગે સતત રિપોટ્ર્સ આવતા રહે છે. ક્લાઇમેટ ચેન્જને કારણે લા નિના ઇફેક્ટે 2022-23ના શિયાળાના હવામાનમાં એક ફેરફાર કર્યો છે. તાજેતરના એક અભ્યાસ મુજબ આ ઘટનાને કારણે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો. જોકે દ્વીપકલ્પીય ભારતમાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવાયો. નોંધનીય છે કે લા નિના જેવી ઘટનાઓ હવામાન અને સમુદ્ર પર વ્યાપક અસર કરે છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝના ચેર પ્રોફેસર ગુરફાન બેગના નેતૃત્વમાં વિજ્ઞાનીઓની એક ટીમે હાથ ધરેલા અભ્યાસમાં આ વાત કહી છે. તાજેતરના અભ્યાસ મુજબ સ્થાનિક ઉત્સર્જન ઉપરાંત ઝડપથી બદલાતું હવામાન હવાની ગુણવત્તાને અસરકર્તા પરિબળો છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે 2022-23ના શિયાળામાં દ્વીપકલ્પીય ભારતીય શહેરોમાં હવાની ગુણવત્તા ખરાબ થઇ પણ તાજેતરના દાયકાઓમાં જોવા મળેલા ટ્રેન્ડ્સથી વિપરીત ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો.
અભ્યાસના તારણો ‘એલ્સેવિયર જર્નલ’માં પ્રકાશિત થયા છે. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ હેઠળ નિર્ધારિત પાંચ વર્ષના લક્ષ્ય સુધી પહોંચી ગઇ છે. સંશોધકોનું કહેવું છે કે આવું કેમ થયું તે એક રહસ્ય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટ્રોપિકલ મીટિઅરૉલોજીના હવામાન વિજ્ઞાની અને આ અભ્યાસના કો-રાઇટર આર. એચ. કૃપલાનીએ કહ્યું કે ઉત્તર ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે જ્યારે તેનાથી ઊલટું ઘણા દ્વીપકલ્પીય ભારતીય શહેરોમાં હવાની ગુણવત્તા બગડી છે. 2022-23નો શિયાળો અસામાન્ય ટ્રિપલ ડીપ લા નીના મોસમી પ્રવૃત્તિના છેલ્લા તબક્કા દરમિયાન થયો હતો. 21મી સદીમાં આ પ્રથમ ઘટના છે. આ મોસમી પ્રવૃત્તિ આબોહવા પરિવર્તનના પ્રભાવ હેઠળ હવાના પ્રવાહને મોટાપાયે અસર કરે છે, જેણે પ્રદૂષકોના સંચયને રોકવામાં અને ઉત્તર ભારતના શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી.
ગાઝિયાબાદ-નોઇડામાં હવાની ગુણવત્તાના સ્તરમાં સુધારો
લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઉત્તર ભારતના ઘણા શહેરોમાં લા નિનાની અસર જોવા મળી. હવાની ગુણવત્તાના સંદર્ભમાં યુપીના ગાઝિયાબાદ શહેરમાં આ ઘટના બાદ સૌથી વધુ 33 ટકા સુધારો જોવા મળ્યો જ્યારે નોઇડા અને રોહતકમાં હવાની ગુણવત્તામાં અનુક્રમે 28 ટકા અને 30 ટકા સુધારો નોંધાયો. જોકે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં માત્ર 10 જ ટકા સુધારો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ દિલ્હી ચારેય તરફથી જમીનથી ઘેરાયેલું હોવાનું કહેવાય છે. ભારતના દ્વીપકલ્પીય શહેરોમાં હવાની ગુણવત્તા બગડી છે. દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઇ મહાનગર પણ તેમાંથી બાકાત નથી.


