- રાધાકૃષ્ણન નામના ભારતીય યુવકના અપહરણ બાદ 24 હજાર ડોલરની ખંડણી માંગી
- પોલીસે સર્ચ ઓપરેશન બાદ ભારતીય યુવકને મુક્ત કરાવ્યો
- પોલીસે ત્રણ પાકિસ્તાની શખ્સો અને એક સ્થાનિકની ધરપકડ કરી લીધી
તુર્કી દેશમાં એક ભારતીય યુવકનું પાકિસ્તાની શખ્સોએ અપહરણ કર્યું હતું. આરોપીઓએ ભારતીય યુવકના હાથ-પગ બાંધીને વીડિયો બનાવી યુવકના ઘરે વીડિયો બતાવી 24 હજાર ડોલરની ખંડણી માંગી હતી. રાધાકૃષ્ણન નામના ભારતીય યુવકનું ત્રણ પાકિસ્તાની શખ્સે અપહરણ કરી ખંડણી માંગી હતી. જો કે રાધાકૃષ્ણના મિત્રએ સમગ્ર ઘટના પોલીસને જણાવતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી ભારતીય યુવકને આરોપીઓ પાસેથી હેમખેમ છોડાવી લીધો હતો. બાદમાં તુર્કી પોલીસે અપહરણ અને ખંડણી માંગવાની કેસમાં સામેલ ચાર આરોપીઓને સકંજામાં લઈ જેલભેગા કરી દીધા હતા.
પાકિસ્તાની અપહરણકર્તાઓ પાસેથી હથિયાર અને રોકડ જપ્ત કરવામાં આવી છે. તેમની મદદ કરવા બદલ તુર્કીના એક નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. તુર્કી પોલીસે રવિવારે માહિતી આપી હતી કે એડિર્ને શહેરમાં ત્રણ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે જેમના પર એક ભારતીય નાગરિકનું અપહરણ કરવાનો આરોપ છે.
રોજગારની શોધમાં તુર્કી દેશમાં આવ્યા હોવાનો સ્વીકાર
પોલીસે જણાવ્યું કે અપહરણકર્તાઓએ ભારતીય યુવકના પરિવાર પાસેથી 24,000 ડોલર એટલે કે લગભગ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મળતી માહિતી અનુસાર, રાધાકૃષ્ણન નામનો એક યુવાન ભારતીય નાગરિક રોજગારની શોધમાં તુર્કી આવ્યો હતો અને ઈસ્તાંબુલની એક રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાનું કામ કરતો હતો.
અહેવાલો અનુસાર, લગભગ એક મહિના પહેલા, ત્રણ પાકિસ્તાની નાગરિકોએ રાધાકૃષ્ણનને એક અનુવાદ કંપનીમાં નોકરી અપાવવાના બહાને પૈસાની લાલચ આપી અને પછી તેનું અપહરણ કર્યું. યુવકના એક મિત્રએ તુર્કી પોલીસનો સંપર્ક કર્યો, જે બાદ સુરક્ષા અધિકારીઓએ સર્ચ ઓપરેશન દ્વારા તેને એક ઘરમાંથી બચાવી લીધો હતો.
આરોપીઓના ઘરેથી હથિયાર મળી આવ્યાં
પોલીસે જણાવ્યું કે અપહરણકર્તાઓએ યુવકના હાથ-પગ બાંધી દીધા હતી અને તેના પરિવારને એક વીડિયો મોકલી ધમકી આપી હતી. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની નાગરિકોના ઘરે તુર્કીએ તપાસ કરી તો એક લાયસન્સ વગરની બંદૂક અને ચાર પિસ્તોલ તેમજ થોડા પૈસા મળી આવ્યા હતા. આ ઘટનામાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા એક તુર્કી નાગરિકને પણ અપહરણકર્તાઓએ શરણ આપવાના આરોપમાં ધરપકડ કરી છે.


