- હવામાં ઉંચે આકાશમાં લટકતા લોકોને બચાવવા 10 હેલિકોપ્ટરની મદદ લેવાઈ
- તુર્કીમાં કેબલ કાર અકસ્માતમાં ફસાયેલા લોકોનું રૅસ્ક્યૂ કરાયું
- કેબલ કાર અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયું જ્યારે સાત ઈજાગ્રસ્ત થયા
તુર્કીમાં આવેલા એક પહાડ પર કેબલ કાર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કુલ 174 પ્રવાસીઓ ઉંચે આકાશમાં કેબલ પર લટકી ગયા હતા. ઉપરાંત હવામાં લટકેલા પ્રવાસીઓ લાંબા સમય સુધી હવામાં લટકતા રહ્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ તુર્કીના અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. હેલિકોપ્ટર અને હાઈ ક્રેનની મદદથી હવામાં લટકેલા લોકોને સુરક્ષિત નીચે લાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગત આ કેબલ કારની એક ટ્રોલી થાંભલા સાથે અથડાઈ હતી અને તૂટી ગઈ હતી, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય સાત ઘાયલ થયા હતા.
તુર્કીના ગૃહપ્રધાન અલી યર્લિકાયાએ રવિવારે સાંજે બચાવ કામગીરી સફળ રીતે પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બચાવ અભિયાનમાં 607 સર્ચ અને રૅસ્ક્યૂ કર્મચારીઓ અને 10 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, તુર્કીની ઈમરજન્સી રિસ્પોન્સ એજન્સી એએફએડી, કોસ્ટ ગાર્ડ ટીમ, ફાયર બ્રિગેડ અને દેશના વિવિધ ભાગોમાંથી પર્વત બચાવ ટીમો પણ આ ઓપરેશનમાં સામેલ હતી. આ દુર્ઘટના રવિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે અંતાલ્યા શહેરની બહાર તુનકટેપ કેબલ કારમાં બની હતી.
10 હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે
કેબલ કારમાં સવાર લોકોને 10 હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવાયા હતા. કેટલાય કલાકોની બચાવ કામગીરી બાદ હવામાં લટકેલા લોકોને નીચે લાવવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી ‘અનાદોલુ’ના સમાચાર અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ 54 વર્ષીય તુર્કીના નાગરિક તરીકે થઈ છે. છેલ્લી મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તોમાં છ તુર્કી અને એક કિર્ગીઝ નાગરિકનો સમાવેશ થાય છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તેઓને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.


