- ફસાયેલ ડ્રાઈવરને અડધા કલાકના રેસ્ક્યૂ બાદ ફાયરબ્રિગેડે બહાર કાઢયા
- નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિકોએ અડધા કલાકની ભારે જહેમત
- મહારાષ્ટ્રના ધુલીયામાં રહેતા સંજયભાઈ ભાયદાસ પાટીલે ફરિયાદ આપતા જણાવ્યું
નડિયાદના ભુમેલ ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રીના સુમારે એક ટ્રકના ચાલકે અચાનક ટ્રક પરનું બેલેન્સ ગુમાવતા ટ્રક ડિવાઈડર અને ઝાડવા કુદીને સામેની સાઈડેથી પોતાના રુટ પર જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને આગળનો ભાગ કુચો વળી ગયેલ હોઈ બંને ડ્રાઈવરો કેબીનમાં ફસાઈ ગયા હતા. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિકોએ અડધા કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરોને બહાર કાઢયા હતા. જો કે તૈ પૈકી અકસ્માત સર્જનાર મોતને ભેટી ચૂક્યો હતો. બીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
મહારાષ્ટ્રના ધુલીયામાં રહેતા સંજયભાઈ ભાયદાસ પાટીલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ગઈ તા.25મી ફેબ્રુઆરી 2024ના રોજ તેઓ ટ્રકમાં પુનાથી વેફર ભરીને ગાંધીનગર આવવા નીકળ્યા હતા. તા.28મી ફેબ્રુઆરીના રોજ રાત્રીના અગિયારેક વાગ્યે ભુમેલ બ્રિજ પસાર કરતી વખતે અચાનક અમદાવાદથી બરોડા તરફ જતી એક ટ્રક બંને હાઈવે પરના ડિવાઈડર અને ઝાડવાઓ તોડી તેમની ટ્રક સાથે ભટકાઈ હતી. જેથી તેઓ ટ્રકના કેબીનમાં ફસાઈ જવાના કારણે તેમને માથામાં, હાથે પગે ઈજા પહોંચી હતી. હાથ અને પગ ટ્રકમાં ફસાઈ ગયા હતા. અકસ્માત સર્જનાર ટ્રકનો ચાલક પણ તેની ટ્રકમાં ફસાઈ ગયો હતો. આસપાસના રાહદારીઓ અને વાહનચાલકોએ પોતાના વાહનો રોકીને અમને બચાવવા દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રકનો ચાલક ગંભીર ઈજાઓના કારણે સ્પોટ પર જ મૃત્યુ પામ્યો હતો. સ્થાનિકોએ 108ને કોલ કરતાં 108ની ટીમે સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. મામલે સંજયભાઈની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ વડતાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફાયરબ્રિગેડે જણાવ્યું હતું કે જો ટ્રક નીચે પટકાઈ હોત તો મોટી જાનહાનિ સર્જાત. જાણવા મળ્યા મુજબ અકસ્માતમાં કુલ ત્રણને ઈજાઓ પહોંચી હતી, એકનું મોત નિપજયું હતું, એકને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. અન્ય બેને નાની મોટી જ ઈજાઓ પહોચી હતી.


